તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 17th October 2026
બિસ્કિટમાં પશુઓના ચારાનું ભૂંસું, દૂધમાં ડિટર્જન્ટ અને કિસમિસમાં ઝેરી જંતુનાશકો: FSSAIના દરોડામાં દેશની ખ્યાતનામ ખાદ્ય કંપનીઓની ગંભીર લોલુતા ઉજાગર
પ્રિયાગોલ્ડ, ડોડલા ડેરી અને UEIR ઓર્ગેનિક સામે કાયદાકીય કાર્યવાહી શરૂ; રેડિસન બ્લૂ હોટેલની રસોઈમાં પણ ફૂગ અને કાટવાળી મશીનરી મળતા હાહાકાર

નવી દિલ્હી : રોજિંદા જીવનમાં આપણે જે બિસ્કિટ ખાઈએ છીએ, દૂધ પીએ છીએ અને સ્વાસ્થ્યવર્ધક માનીને કિસમિસ કે ડ્રાયફ્રૂટ્સ આરોગીએ છીએ, તે જ ખાદ્ય ચીજોની શુદ્ધતા અને ગુણવત્તા સામે અત્યંત ગંભીર સવાલો ઊભા થયા છે. દેશની સર્વોચ્ચ ખાદ્ય સુરક્ષા નિયમન સંસ્થા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા દેશભરમાં ચલાવવામાં આવી રહેલી સઘન તપાસ દરમિયાન ત્રણ મોટી અને જાણીતી ખાદ્ય કંપનીઓમાં આશ્ચર્યજનક ગેરરીતિઓ પકડાતા તેમની સામે સખત કાયદાકીય કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, FSSAI દ્વારા લેવાયેલા નમૂનાઓની ચકાસણીમાં પ્રિયાગોલ્ડ બિસ્કિટનું ઉત્પાદન કરતી 'સૂર્યા ફૂડ એન્ડ એગ્રો', દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ વેચતી 'ડોડલા ડેરી' અને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી 'UEIR ઓર્ગેનિક ફૂડ્સ' જેવી મોટી કંપનીઓની ગંભીર બેદરકારી અને ભેળસેળ સામે આવી છે. ગ્રાહકોની ફરિયાદોના આધારે જ્યારે આ એકમો પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે જે હકીકતો બહાર આવી તેણે ખાવાપીવાની ચીજોના શોખીનોને હચમચાવી મૂક્યા છે.
સૌપ્રથમ વાત કરીએ પ્રિયાગોલ્ડ બિસ્કિટની, તો ગ્રાહકની સચોટ ફરિયાદ બાદ FSSAI ની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે આ કંપની દ્વારા બિસ્કિટ બનાવવાની પ્રક્રિયામાં પશુઓને ખવડાવવાના ચારાના ભૂંસાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે ગુણીઓમાં આ ભૂંસું ભરવામાં આવ્યું હતું તેના પર સ્પષ્ટ લખેલું હોવા છતાં તેનો ઉપયોગ બિસ્કિટ બનાવવા માટે થતો હતો. આટલું જ નહીં, ફેક્ટરીના ઉત્પાદન એકમમાં ભારે ગંદકી, જીવાતોને રોકવાના સાધનોનો અભાવ અને કર્મચારીઓની સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો, જેને પગલે અગાઉ જ કંપનીનું લાઈસન્સ સ્થગિત કરી દેવાયું હતું.
બીજી તરફ, લોકપ્રિય બ્રાન્ડ ડોડલા ડેરીના ફુલ ક્રીમ દૂધના સેમ્પલ લેબોરેટરીમાં તપાસતા તેમાં ચરબીનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં ઓછું હોવાનું જણાયું હતું. કંપનીના વાંધા બાદ જ્યારે દૂધના નમૂનાની પુનઃ ચકાસણી કરવામાં આવી, ત્યારે વધુ ચોંકાવનારો ખુલાસો થયો કે દૂધમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા ડિટર્જન્ટ અને કોસ્ટિક સોડાની હાજરી મળી આવી હતી. તેવી જ રીતે, 'UEIR ઓર્ગેનિક ફૂડ્સ' દ્વારા આરોગ્યપ્રદ હોવાના દાવા સાથે વેચાતી પીળી કિસમિસના નમૂનાઓમાં પણ હાનિકારક જંતુનાશક દવાઓના અવશેષો મળી આવતા ખાદ્ય સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયો છે.
આ મામલો અહીં જ અટક્યો નથી, પરંતુ FSSAI દ્વારા રેડિસન બ્લૂ હોટેલ્સનું સંચાલન કરતી એ. બી. હોટેલ્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે. અહીં કરવામાં આવેલી તપાસમાં રસોડામાં કાટ ખવાયેલી મશીનરીનો ઉપયોગ થતો હોવાનું, ફ્રીજર લીક હોવાને કારણે ફળો અને શાકભાજી પર ફૂગ જામેલી હોવાનું તથા હલકી કક્ષાના ખાદ્ય તેલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતી આ ઘટનાઓ બાદ બજારમાં ભારે રોષ ફેલાયો છે અને તંત્ર દ્વારા તમામ હોટેલો તથા ખાદ્ય ઉત્પાદકો સામે ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
