<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

અનિલ અંબાણી ગ્રુપ પર CBI-EDનો ડબલ એટેક: ₹19,000 કરોડના લોન કૌભાંડમાં 4 દિગ્ગજો જેલના સળિયા પાછળ!

શેલ કંપનીઓનું જાળું અને નકલી વ્યવહારો: રિલાયન્સ કોમ્યુનિકેશનના ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ : તો મની લોન્ડરિંગ કેસમાં ઝુનઝુનવાલા અને બાપના EDની કસ્ટડીમાં!

મુંબઈ:  ભારતીય કોર્પોરેટ ઈતિહાસના સૌથી મોટા બેંકિંગ ફ્રોડ પૈકીના એક એવા 'રિલાયન્સ કોમ્યુનિકેશન લોન કેસ'માં કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ગાળિયો મજબૂત કર્યો છે. CBIએ કંપનીના બે અત્યંત વરિષ્ઠ અધિકારીઓ, ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ અધિકારીઓએ બેંકો પાસેથી મળેલી લોનના નાણાંનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે માત્ર SBIને જ ₹2,929 કરોડનો ફટકો પડ્યો છે, જ્યારે અન્ય 17 બેંકો સાથે મળીને આ આંકડો ₹19,694 કરોડ જેવો અધધ... થઈ જાય છે.

CBIની તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે અસંખ્ય 'શેલ કંપનીઓ' (કાગળ પરની કંપનીઓ) બનાવી હતી. આ કંપનીઓ વચ્ચે નકલી સર્વિસ ટ્રાન્ઝેક્શન બતાવીને બેંકના નાણાં સગેવગે કરવામાં આવતા હતા. ડી. વિશ્વનાથ બેંકિંગ કામકાજ સંભાળતા હોવાથી તેમની ભૂમિકા મુખ્ય શંકાના દાયરામાં છે. બીજી તરફ, દિલ્હીની કોર્ટે આ જ ગ્રુપના અન્ય બે પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાને પાંચ દિવસ માટે EDની કસ્ટડીમાં સોંપ્યા છે. ED પાસે એવા પુરાવા છે કે લોનના ફંડને ગેરકાયદેસર રીતે મની લોન્ડરિંગ દ્વારા દેશની બહાર અથવા અન્ય કંપનીઓમાં વાળવામાં આવ્યું હતું.

આ કાર્યવાહીથી અનિલ અંબાણી ગ્રુપની આર્થિક અને નૈતિક વિશ્વસનીયતા પર ફરી એકવાર સવાલિયા નિશાન ઊભા થયા છે. CBI અને ED હવે એ કડીઓ જોડી રહ્યા છે કે શું આ અધિકારીઓ માત્ર પ્યાદા હતા કે પછી આ આખું કૌભાંડ ઉચ્ચ નેતૃત્વની સૂચના મુજબ ચાલતું હતું. એજન્સીઓ આગામી દિવસોમાં આ મામલે ગ્રુપના અન્ય મોટા માથાઓની પણ પૂછપરછ કરી શકે છે. હાલમાં તો બેંકિંગ સેક્ટરમાં આ ₹19,000 કરોડથી વધુની છેતરપિંડીએ નાણાકીય સ્થિરતા અને લોન આપવાની પ્રક્રિયા પર પણ ચર્ચા જગાવી છે.

(7:28 PM IST)