તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
અનિલ અંબાણી માનહાનિ કેસ: બોમ્બે હાઈકોર્ટે રિપબ્લિક ટીવીને ફટકાર લગાવી : કોર્ટની કાર્યવાહીના રિપોર્ટિંગમાં મરચું-મીઠું ન ભભરાવવા તાકીદ
જસ્ટિસ આરિફ ડોક્ટરે કહ્યું - હકીકતો રિપોર્ટ કરવાથી કોઈ રોકતું નથી પણ અતિશયોક્તિભર્યું રિપોર્ટિંગ ટાળો : એડવોકેટ જેઠમલાણીએ 'પ્રેસની આઝાદી'નો પક્ષ રાખ્યો : વધુ સુનાવણી ૨૯ એપ્રિલ પર મુલતવી

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણી દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમાચાર ચેનલ રિપબ્લિક ટીવી અને તેના એડિટર અર્નબ ગોસ્વામીને કડક શબ્દોમાં સાવધ કર્યા છે. જસ્ટિસ આરિફ ડોક્ટરે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે કોર્ટની કાર્યવાહી કે કાયદાકીય બાબતોનું રિપોર્ટિંગ કરતી વખતે માત્ર હકીકતો અને કોર્ટના રેકોર્ડ પૂરતું જ મર્યાદિત રહેવું જોઈએ, તેમાં બિનજરૂરી 'એમ્બેલિશમેન્ટ' એટલે કે મરચું-મીઠું ઉમેરવાની જરૂર નથી.
હકીકત અને અતિશયોક્તિ વચ્ચેનો તફાવત:
જસ્ટિસ આરિફ ડોક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે, "તમે કોર્ટના આદેશો અને હકીકતો રિપોર્ટ કરો, કોઈ તમને રોકી રહ્યું નથી. પરંતુ તેના પર પોતાની રીતે વાતો ઉમેરવાની કોઈ જરૂર નથી." ન્યાયાધીશે હકીકતલક્ષી રિપોર્ટિંગ અને લોકોમાં ઉત્તેજના જગાવવા માટે કરવામાં આવતી કમેન્ટરી વચ્ચે ભેદ રેખા દોરી હતી. તેમણે જણાવ્યું કે લોકોની જાણવાની જિજ્ઞાસા સંતોષવી એક બાબત છે, પરંતુ વધારાની વિગતો ઉમેરીને લોકોની લાગણીઓને ઉશ્કેરવી તે અલગ બાબત છે. કોર્ટે આ વિવાદને પરસ્પર વાતચીતથી ઉકેલવા પર પણ ભાર મૂક્યો હતો.
અનિલ અંબાણીનો પક્ષ:
અનિલ અંબાણી તરફથી હાજર રહેલા એડવોકેટ મયૂર ખાંડેપરકરે દલીલ કરી હતી કે રિપબ્લિક ટીવી દ્વારા કરવામાં આવતું પ્રસારણ માત્ર ન્યૂઝ રિપોર્ટિંગ નથી, પરંતુ તેનાથી અંબાણીની જાહેર છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે દલીલ કરી હતી કે કોઈ વ્યક્તિના ચારિત્ર્ય હનન કરવા માટે 'ફેર રિપોર્ટિંગ' (ન્યાયી રિપોર્ટિંગ) નો બચાવ લઈ શકાય નહીં. અંબાણીએ રિપબ્લિક ટીવીની માલિકી ધરાવતી કંપની એઆરજી આઉટલિયર (ARG Outlier) અને અર્નબ ગોસ્વામી સામે કામચલાઉ મનાઈહુકમની માંગ કરી હતી.
રિપબ્લિક ટીવીનો બચાવ:
રિપબ્લિક ટીવી વતી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ પક્ષ રાખતા જણાવ્યું હતું કે ચેનલનું રિપોર્ટિંગ 'ફેર કમેન્ટ'ની મર્યાદામાં જ છે. તેમણે પ્રેસની સ્વતંત્રતા અને જનતાને જાણવાના અધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેઠમલાણીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે જો અંબાણીને કોઈ ચોક્કસ ટિપ્પણી સામે વાંધો હોય, તો તેની યાદી આપે અને જો તે ખરેખર અપમાનજનક જણાશે તો ચેનલ તેના પર પુનઃવિચાર કરી શકે છે.
કોર્ટનો આદેશ:
અગાઉ પણ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીને "બેલ્ટ નીચે" (અણછાજતા) સમાચાર ન આપવા જણાવ્યું હતું. હાલમાં કોર્ટે રિપબ્લિક ટીવી પર કોઈ સીધો પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મૌખિક રીતે રિપોર્ટિંગમાં સંયમ રાખવા તાકીદ કરી છે. આ મામલાની આગામી સુનાવણી ૨૯ એપ્રિલના રોજ રાખવામાં આવી છે. એડવોકેટ અમીત નાઈક, મધુ ગડોદિયા, જોએબ કટલરીવાલા અને વિક્રમ કામથ જેવા નામાંકિત વકીલો બંને પક્ષે હાજર રહ્યા હતા.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
