<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

મણિપુરમાં બે કુકી યુવકોની હત્યાથી ભડકેલો રોષ : કાંગપોકપીમાં બંધ વધુ ૪૮ કલાક લંબાવાયો

અપહરણ બાદ બંનેના મૃતદેહ મળતાં ભારે તંગદિલી : હત્યારાઓની ધરપકડ અને એનઆઈએ તપાસની માગ, સરકારને ૪ નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ

ઇમ્ફાલ, તા. ૩ : મણિપુરના કાંગપોકપી જિલ્લામાં બે કુકી-ઝો યુવકોની હત્યાને પગલે ફરી તંગદિલી સર્જાઈ છે. ગત ૨૮ ઓક્ટોબરે ગુમ થયેલા ૨૧ વર્ષીય થાંગિનલુન ચોંગલોઈ અને ૨૦ વર્ષીય પાઓગિનલાલ હાંગસિંગના મૃતદેહ પહેલી નવેમ્બરે મળી આવતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

 

આદિવાસી સંગઠન કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી દ્વારા જાહેર કરાયેલો બંધ વધુ ૪૮ કલાક લંબાવાયો છે. જોકે શાળા, આરોગ્ય, મીડિયા અને એરપોર્ટ સંબંધિત આવશ્યક સેવાઓને મુક્તિ અપાઈ છે. સંગઠને હત્યારાઓની તાત્કાલિક ધરપકડ, કેસની એનઆઈએ તપાસ તથા નાયબ મુખ્યમંત્રી લોસી દિખોને હટાવવાની માગ કરી છે. ૪ નવેમ્બર સુધીમાં ન્યાય નહીં મળે તો વિશાળ જાહેરસભા યોજી આગામી આંદોલનનો નિર્ણય લેવાની ચીમકી અપાઈ છે. અગાઉની જાતીય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં નવી ઘટનાએ ચિંતા વધારી છે. 

(11:00 AM IST)