News of Sunday, 28th June 2026
કેન્દ્ર સરકાર દ્વારા 'એનિમિયા મુક્ત ભારત અભિયાન' માં મોટો ફેરફાર : જન્મ સમયે ઓછું વજન ધરાવતા (LBW) બાળકોનો સાતમા લાભાર્થી જૂથ તરીકે સમાવેશ કરાશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સોમવારે નવી માર્ગદર્શિકા જાહેર કરશે : અગાઉની ૬x૬x૬ ની ફોર્મ્યુલાના સ્થાને હવે ૭x૭x૭ ની નવી વ્યૂહરચના અને 'ટેસ્ટ, ટ્રીટ, ટોક એન્ડ ટ્રેક' (T4) મોડલ અમલી બનશે

નવી દિલ્હી:દેશમાં બાળપણના શરૂઆતના તબક્કાથી જ એનિમિયા (લોહીની ઉણપ) ના દૂષણને ડામવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તેના ફ્લેગશિપ કાર્યક્રમ 'એનિમિયા મુક્ત ભારત અભિયાન' માં વ્યાપક ફેરફારો અને સુધારા કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સુધારેલી વ્યૂહરચના હેઠળ, હવેથી ૦ થી ૬ મહિનાની ઉંમરના અને જન્મ સમયે ઓછું વજન ધરાવતા (લો બર્થ વેઇટ - LBW) નવજાત બાળકોને સાતમા લાભાર્થી જૂથ તરીકે આ અભિયાનમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સોમવારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર (CCHFW) ની ૧૬મી બેઠકમાં આ નવીન ઓપરેશનલ માર્ગદર્શિકા બહાર પાડશે. મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, આ નવો સુધારેલો કાર્યક્રમ વધુ વ્યાપક, ટેક્નોલોજીથી સજ્જ અને સમુદાય આધારિત અભિગમ ધરાવતો હશે.
હવે માત્ર આયર્નની ગોળીઓ જ નહીં, વ્યાપક તપાસ અને 'ઇટિંગ રાઇટ' પર ભાર:
નવી માર્ગદર્શિકા વર્તમાન કાર્યક્રમને વધુ મજબૂત બનાવી 'એનિમિયા મુક્ત ભારત અભિયાન' માં પરિવર્તિત કરશે. આ પ્રોગ્રામ હવે માત્ર આયર્ન સપ્લિમેન્ટેશન (પૂર્તિ) પૂરતો મર્યાદિત ન રહેતા, તેમાં પ્રારંભિક તબક્કે એનિમિયાનું પરીક્ષણ, રોગનિવારક વ્યવસ્થાપન, તંદુરસ્ત આહાર પદ્ધતિઓ, ડિજિટલ ટ્રેકિંગ અને જનભાગીદારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી માર્ગદર્શિકાની મુખ્ય વિશેષતા અગાઉના ૬x૬x૬ ના માળખાના સ્થાને '૭x૭x૭ વ્યૂહરચના' નો અમલ છે. આ નવી વ્યૂહરચનામાં 'ઇટિંગ રાઇટ' (સાચો આહાર) નામના સાતમા હસ્તક્ષેપને ઉમેરાયો છે, જે રોજિંદા આહારમાં આયર્નથી ભરપૂર અને વૈવિધ્યસભર ખોરાકના સેવનને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત, સાતમી સંસ્થાકીય વ્યવસ્થા હેઠળ ડિજિટલ ટ્રેકિંગ દ્વારા સપોર્ટેડ મજબૂત મોનિટરિંગ અને મૂલ્યાંકન પ્રણાલી શરૂ કરવામાં આવશે.
સેવા મોડલ T3 માંથી અપગ્રેડ થઈને T4 બનશે:
આ સુધારેલા કાર્યક્રમ અંતર્ગત સેવા વિતરણ મોડલને વર્તમાન T3 અભિગમ એટલે કે 'ટેસ્ટ, ટ્રીટ એન્ડ ટોક' માંથી અપગ્રેડ કરીને T4 અભિગમ એટલે કે 'ટેસ્ટ, ટ્રીટ, ટોક એન્ડ ટ્રેક' કરવામાં આવ્યું છે. આ નવા માળખાનો ઉદ્દેશ્ય દેશભરમાં હિમોગ્લોબિન ટેસ્ટિંગ પ્રક્રિયાને વધુ સઘન બનાવવાનો, રાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર આયર્નની ઉણપવાળા દર્દીઓની સારવાર સુનિશ્ચિત કરવાનો, વ્યવસ્થિત ટ્રેકિંગ દ્વારા ફોલો-અપ અને રેફરલ સેવાઓમાં સુધારો લાવવાનો તેમજ પોષણ અને તંદુરસ્ત આહાર અંગેનું કાઉન્સેલિંગ વધારવાનો છે. ગંભીર એનિમિયાથી પીડાતી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ અથવા જેમના પર આયર્નની ઓરલ (મોં વાટે લેવાતી) દવાઓ અસર કરતી નથી, તેમના માટે કિલનિકલ હસ્તક્ષેપ તરીકે 'ફેરિક કાર્બોક્સિમાલ્ટોઝ' (FCM) અને 'આયર્ન સુક્રોઝ' નો ઉપયોગ કરીને ઇન્ટ્રાવેનસ (નસ દ્વારા) આયર્ન થેરાપી આપવાની જોગવાઈ પણ નવી ગાઈડલાઈનમાં સામેલ છે.
તમામ પોર્ટલ એક જ 'AMB અભિયાન પોર્ટલ' માં મર્જ કરાશે:
સરકાર તમામ લાભાર્થી જૂથોમાં એનિમિયા સંબંધિત સેવાઓની દેખરેખ માટે એક સંકલિત ડિજિટલ ઇકોસિસ્ટમ સ્થાપવાની પણ યોજના બનાવી રહી છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ, સગર્ભા મહિલાઓના હિમોગ્લોબિન ટેસ્ટિંગના રેકોર્ડને 'જનની' (JANANI) પોર્ટલ દ્વારા મેપ કરવામાં આવશે, જ્યારે બાળકોના રેકોર્ડ 'RBSK' અને 'U-WIN' પોર્ટલ દ્વારા મેળવવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં આ તમામ અલગ-અલગ ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરીને એક સિંગલ 'AMB અભિયાન પોર્ટલ' બનાવવામાં આવશે, જેનાથી રીઅલ-ટાઇમ મોનિટરિંગ, ચોક્કસ વિશ્લેષણ અને પુરાવા-આધારિત આયોજન શક્ય બનશે. આ માર્ગદર્શિકા દેશમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય તેમજ પોષણને મજબૂત કરવા અને એનિમિયાના બોજને ઝડપથી ઘટાડવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
