તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ અને તેમના રશિયન મૂળની પત્ની અન્ના કોનિડેલાએ લગ્નના તેર વર્ષ બાદ અલગ થવાની કરી આશ્ચર્યજનક જાહેરાત
ફિલ્મ તીન મારના સેટ પર શરૂ થઈ હતી બંનેની લવ સ્ટોરી, બે બાળકોના માતા-પિતા બન્યા બાદ લીધો અલગ થવાનો મોટો નિર્ણય

હૈદરાબાદ : આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ અને તેમની ત્રીજી પત્ની અન્ના કોનિડેલાએ લગ્નના તેર વર્ષ બાદ એકબીજાથી અલગ થવાનો મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. સોમવારે સામે આવેલા આ સમાચારથી તેમના ચાહકો અને રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું છે. આ પ્રખ્યાત જોડીએ લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ પરસ્પર સહમતિથી પોતાના સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
મૂળ રશિયાની રહેવાસી અન્ના કોનિડેલાનું મૂળ નામ અન્ના લેઝનેવા છે. અભિનેતા પવન કલ્યાણ સાથે તેમની મુલાકાત વર્ષ 2011માં ફિલ્મ તીન મારના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં અન્નાએ એક ટૂંકી ભૂમિકા પણ ભજવી હતી. શૂટિંગના દિવસોમાં જ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ ખીલ્યો. લગભગ બે વર્ષ સુધી ડેટ કર્યા પછી, આ યુગલે સપ્ટેમ્બર 2013માં હૈદરાબાદની એક સબ-રજસ્ટ્રાર ઓફિસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કાયદેસર રીતે લગ્ન કરી લીધા હતા.
આ લગ્નજીવનથી તેમને બે બાળકો છે, પોલેના અંજના પવનોવા અને માર્ક શંકર પવનોવિચ. લગ્ન પછી અન્નાએ મોટે ભાગે પબ્લિક લાઈફથી દૂર રહેવાનું જ પસંદ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બેકગ્રાઉન્ડ હોવા છતાં, અન્નાએ અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ષ 2024માં નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરથી પોતાની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. એક બિઝનેસવુમન તરીકે પણ તે જાણીતી છે અને સિંગાપોર સ્થિત હોટેલ બિઝનેસ સહિત અનેક હોસ્પિટાલિટી સાહસો સાથે જોડાયેલી છે. અન્નાએ અગાઉ એક સત્રમાં જણાવ્યું હતું કે તે અંગ્રેજી, રશિયન, હિન્દી, ફ્રેન્ચ, તેલુગુ, થાઈ અને મેન્ડરિન સહિત છ કરતાં વધુ ભાષાઓ બોલી શકે છે.
પવન કલ્યાણ માટે આ ત્રીજું લગ્ન હતું. અભિનેતાની અંગત જિંદગી હંમેશાં મીડિયા અને જનતાના આકર્ષણનું કેન્દ્ર રહી છે. પવને સૌથી પહેલા વર્ષ 1997માં વિશાખાપટ્ટનમની નંદિની સાથે ગોઠવાયેલા લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 1999માં તેઓ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ અભિનેત્રી રેણુ દેસાઈના સંપર્કમાં આવ્યા, જેમને તેઓ વર્ષ 2000માં બદ્રીના સેટ પર મળ્યા હતા. તેમને એક પુત્ર થયો અને પછી વર્ષ 2009માં લગ્ન કર્યા. તેમની પુત્રી આધ્યાનો જન્મ 2010માં થયો હતો. પવન અને રેણુએ 2011માં છૂટાછેડા માટે અરજી કરી હતી જે 2012માં મંજૂર થઈ હતી.
અન્ના સાથેના તેર વર્ષના સફળ લગ્નજીવન બાદ અલગ થવાના આ અણધાર્યા પગલાએ પવન કલ્યાણના અંગત જીવનને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. આ દંપતીના અચાનક અલગ થવાના સમાચારથી તેમના પ્રશાસકો દુઃખી છે, કારણ કે તેઓએ હંમેશા આ જોડીને એક મજબૂત આધાર તરીકે જોયા હતા.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
