<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

અનંત સિંહનો દાવો: ‘મારો ખર્ચ બહુ નથી થતો, દોસ્તો જ બધું સંભાળી લે છે; કોઈ થાર તો કોઈ પંડાલ આપે છે’

પુત્રીના ભવ્ય લગ્ન અને ગિફ્ટમાં બે કરોડની ગાડીની ચર્ચા વચ્ચે મોકામાના ધારાસભ્યનું નિવેદન

પટના : બિહારના મોકામાથી બાહુબલી ધારાસભ્ય અનંત સિંહે તેમની પુત્રીના લગ્નમાં થનારા ભારી-ભરકમ ખર્ચ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ લગ્નમાં તેમનો અંગત ખર્ચ બહુ વધુ નથી થતો કારણ કે તેમના મિત્રો અને શુભેચ્છકો જ બધી વ્યવસ્થાઓ સંભાળી લે છે.
અનંત સિંહની પુત્રી શિવાંગીના આગામી ૨૫ નવેમ્બરે યોજાનાર લગ્નને લઈને હાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ લગ્ન સમારોહમાં ૧૦ બીઘા જમીનમાં વિશાળ પંડાલ ઊભો કરવામાં આવ્યો છે અને ચાર લાખથી વધુ મહેમાનો માટે ભવ્ય ભોજન સમારંભ તેમજ ઘોડેસવારી જેવી રોમાંચક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય આયોજનના ખર્ચ વિશે વાત કરતા અનંત સિંહે જણાવ્યું હતું કે, “મારો કોઈ મોટો ખર્ચ નથી થતો, મારા ઘણા મિત્રો અને દોસ્તો છે જે બધું કરી આપે છે; કોઈ થાર ગાડી મોકલી આપે છે તો કોઈ ટેન્ટ અને પંડાલની વ્યવસ્થા કરાવી દે છે.” ઉલ્લેખનીય છે કે, તેઓ જમાઈને બે કરોડથી વધુ કિંમતની લેન્ડ રોવર ડિફેન્ડર કાર અને પુત્રને બીએમડબલ્યુ કાર ભેટમાં આપવાના છે.
આ લગ્ન પ્રસંગ અને ભવ્ય આયોજનો વચ્ચે અનંત સિંહની રાજકીય અને કાનૂની મુશ્કેલીઓ પણ યથાવત છે. તાજેતરમાં જેડીયુમાંથી નિષ્કાસિત થવા અને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન રદ થવાના મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ લગ્ન પૂરતા બહાર છે અને લગ્ન સંપન્ન થયા બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ સમર્પણ કરી દેશે.

(10:24 PM IST)