News of Friday, 27th November 2026
કૃષ્ણ ભક્તિમાં લીન થયા અનંત અંબાણી: કેસરી કુર્તો અને પીળી પાઘડી પહેરી રાત્રે પગપાળા ગોવર્ધન પરિક્રમા કરી!
રાધે-રાધે'ના ગગનભેદી નારા અને કડક સુરક્ષા વચ્ચે જતીપુરા મુખારવિંદ મંદિરમાં ગિરિરાજ મહારાજની શ્રૃંગાર આરતી કરી : આવતીકાલે વૃંદાવનમાં બાંકે બિહારીજીના દર્શન કરશે

મથુરા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી પોતાની આધ્યાત્મિક યાત્રા અંતર્ગત ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ મથુરા-વૃંદાવન પહોંચ્યા છે. વ્રજભૂમિમાં આગમન થતાં જ તેઓ સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અનંત અંબાણીએ સૌપ્રથમ જતીપુરા સ્થિત પ્રખ્યાત ગોવર્ધન ગિરિરાજ મુખારવિંદ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી અને ગિરિરાજ મહારાજની દિવ્ય શ્રૃંગાર આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે મદન મોહનજી મંદિરમાં પણ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં તેમની સાદગી અને ઊંડી શ્રદ્ધા જોઈને ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ પણ પ્રભાવિત થયા હતા.
ગિરિરાજજીની પૂજા બાદ અનંત અંબાણીએ રાત્રિના સમયે પગપાળા ગોવર્ધન પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. તેજસ્વી કેસરી રંગનો ભરતકામ કરેલો કુર્તો-પાયજામો અને માથે પીળી પાઘડી પહેરેલો તેમનો પરંપરાગત અંદાજ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર પરિક્રમા માર્ગ "રાધે-રાધે" ના નાદ અને ભગવાન કૃષ્ણના મધુર ભજનોથી ગુંજી ઉઠ્યો હતો. સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તો અનંત અંબાણીની એક ઝલક મેળવવા અને તેમની સાથે પરિક્રમામાં જોડાવા માટે ઉમટી પડ્યા હતા.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ વ્રજવાસીઓની રક્ષા માટે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો, ત્યારથી આ પવિત્ર પર્વતની પરિક્રમા અત્યંત પુણ્યશાળી અને મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, રાત્રે ગિરિરાજજીની પરિક્રમા પૂર્ણ કરી આરામ કર્યા બાદ, અનંત અંબાણી આવતીકાલે સવારે વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ શ્રી બાંકે બિહારીજી મંદિરમાં ઠાકુરજીના દર્શન અને વિશેષ પ્રાર્થના કરશે, અને ત્યારબાદ આગ્રા જવા રવાના થશે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
