News of Sunday, 28th June 2026
અનંત અંબાણીએ તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં શીશ ઝુકાવ્યું : તિરુપતિ દેવસ્થાનમને ૨૭.૫ કરોડના ખર્ચે ૨૫ ઈલેક્ટ્રિક બસો દાનમાં આપવાની જાહેરાત
વહેલી સવારે સુપ્રભાત સેવામાં ભાગ લઈ દર્શન કર્યા અને પરંપરાગત રીતે મુંડન કરાવી માનતા પૂરી કરી : તમામ ૫૦ ડ્રાઈવરોના પગાર-ભથ્થાનો ખર્ચ ઉઠાવવા અને ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા પણ રિલાયન્સની તૈયારી

તિરુમાલા:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવારે આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લઈને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે વહેલી સવારે યોજાતી પવિત્ર 'સુપ્રભાત સેવા'માં ભાગ લીધો હતો અને ભગવાન બાલાજીના દિવ્ય દર્શન કર્યા હતા. પોતાની આ ધાર્મિક યાત્રાના ભાગરૂપે તેમણે ભગવાન વેંકટેશ્વરના ચરણોમાં પરંપરાગત રીતે પોતાના વાળ અર્પણ કરી મુંડન (ટોન્સુર) કરાવ્યું હતું. દર્શન કર્યા બાદ મંદિરની અંદર આવેલા રંગનાયકુલા મંડપમ ખાતે વેદ વિદ્વાનો દ્વારા તેમને મંત્રોચ્ચાર સાથે 'વેદ આશીર્વચન' પાઠવવામાં આવ્યા હતા. મંદિરના વહીવટીતંત્ર દ્વારા તેમને ભગવાનનો પવિત્ર તીર્થ પ્રસાદ ભેટ ધરીને રેશમી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.
રૂપિયા ૨૭.૫ કરોડની ૨૫ ઈલેક્ટ્રિક બસો સાથે ડ્રાઈવરોના પગારનો ખર્ચ પણ રિલાયન્સ ભોગવશે:
આ પરમ પવિત્ર અવસરે અનંત અંબાણીએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ને મોટી ભેટ આપતાં જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મંદિર ટ્રસ્ટને આશરે ૨૭.૫ કરોડ રૂપિયાની કિંમતની ૨૫ અદ્યતન ઈલેક્ટ્રિક બસો દાનમાં આપવામાં આવશે. આ બસોના સંચાલન માટે જરૂરી ૫૦ ડ્રાઈવરોના પગાર અને અન્ય તમામ ભથ્થાનો સંપૂર્ણ ખર્ચ પણ રિલાયન્સ કંપની પોતે જ ભોગવશે. આ સાથે જ તેમણે તિરુમાલામાં આ ઈલેક્ટ્રિક બસોના કાફલાને સરળતાથી ચલાવવા માટે ઈવી (EV) ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં પણ સંપૂર્ણ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી પર્યાવરણની જાળવણી સાથે શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ બની શકે.
નાગપુરમાં આરએસએસના મુખ્યાલયની લીધી હતી મુલાકાત:
અત્રે ઉલ્લેખનીય છે કે, તિરુપતિ બાલાજીના દર્શને પહોંચતા પહેલા ચાલુ સપ્તાહની શરૂઆતમાં અનંત અંબાણીએ મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ એક સૌજન્ય મુલાકાત હતી જે દરમિયાન તેમણે આરએસએસના વડા મોહન ભાગવત સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ રેશમીબાગમાં આવેલા ડો. હેડગેવાર સ્મૃતિ મંદિર પરિસરની પણ મુલાકાતે ગયા હતા, જે આરએસએસના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારનું સ્મારક છે અને તેમના અનુગામી એમ. એસ. ગોળવલકરનું અંતિમ વિશ્રામ સ્થળ પણ છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
