તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
આનંદ મહિન્દ્રા અને સીએમ યાદવે જેમના વખાણ કર્યા તે 'બિટ્ટુ તબાહી' નો અજનાર નદી સફાઈનો દાવો વિવાદમાં: સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો!
એકલા હાથે ૧૦ કિલોમીટર લાંબી નદી સાફ કરવાનો સોશિયલ મીડિયા દાવો શંકાના ઘેરામાં; સ્થાનિક લોકો અને નગરપાલિકાએ પૂરના પાણીથી કચરો તણાઈ ગયો હોવાનો કર્યો ખુલાસો

ઈન્દોર, તા.૦૭: સોશિયલ મીડિયા પર પોતાની અનોખી શૈલી અને સમાજસેવાના દાવાઓથી રાતોરાત સ્ટાર બનેલા બિટ્ટુ તબાહી ઉર્ફે બિટ્ટુ દ્વારા અજનાર નદીની સફાઈ કરવાનો દાવો હવે ભારે વિવાદમાં સપડાયો છે. થોડા દિવસો પૂર્વે વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરાયો હતો કે બિટ્ટુએ એકલા હાથે બ્યાવરાની ૧૦ કિલોમીટર લાંબી અજનાર નદીની કાયાપલટ કરી નાખી છે. આ વિડીયો જોઈને પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક અગ્રણીઓએ તેની ભરપૂર પ્રશંસા કરી હતી, એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રીએ ભોપાલમાં સન્માનપત્ર આપી તેનું સન્માન પણ કર્યું હતું.
જોકે, હવે સ્થાનિક રહેવાસીઓ અને નગરપાલિકાએ આ દાવાની પોલ ખોલી નાખી છે. સ્થાનિક નાગરિકો મુકેશ શર્મા અને શ્યામ દાંગીના જણાવ્યા અનુસાર, એક જ વ્યક્તિ માટે ૧૨થી વધુ ગંદા નાળા ધરાવતી અને ૧૦ કિલોમીટર લાંબી નદી એકલા હાથે સાફ કરવી વ્યવહારિક રીતે અશક્ય છે. લોકોનો આરોપ છે કે બિટ્ટુએ બે અલગ-અલગ ઋતુના વિડીયો બનાવ્યા હતા. પહેલો વિડીયો ઉનાળાનો હતો જ્યારે નદીમાં પુષ્કળ કચરો હતો, જ્યારે બીજો વિડીયો તાજેતરમાં આવેલા ભારે પૂર પછીનો હતો. પૂરના જોરદાર વહેણને કારણે નદીનો તમામ કચરો કુદરતી રીતે તણાઈ ગયો હતો, જેને બિટ્ટુએ પોતાની મહેનત તરીકે દર્શાવ્યો હતો.
બ્યાવરા નગરપાલિકાના મુખ્ય નગરપાલિકા અધિકારી (CMO) ઈકરાર અહમદે પણ સ્પષ્ટ કર્યું છે કે બિટ્ટુએ જે જગ્યાનો વિડીયો બનાવ્યો હતો ત્યાં ખૂબ ઓછી ગંદકી હતી અને નગરપાલિકા તો ૨૦૧૬ થી દર વર્ષે નદીની સફાઈનું ખાસ અભિયાન ચલાવે છે. આ સિવાય અજનાર બચાવો સમિતિના સભ્યો અને સ્થાનિક સંગઠનો વર્ષોથી આ નદીના પુનરુદ્ધાર માટે કાર્યરત છે. મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતાં બિટ્ટુએ પોતાની અંગત વિગતો કે પરિવાર વિશે કંઈપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ વાસ્તવિક સેવા હતી કે પછી માત્ર પબ્લિસિટી સ્ટંટ?
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
