તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
દેવભૂમિ ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ કૈંચી ધામમાં શનિવારે સવારથી જ ભાવિકોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડતાં મંદિર પ્રાંગણથી લઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી માનવમેહરામણ છવાયો: શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વધતાં તમામ તંત્ર લાચાર બ બન્યું
બાબા નીમ કરોલી મહારાજના ધામમાં સવારના ૧૧ વાગ્યા સુધીમાં જ ૨૮ હજારથી વધુ ભક્તોએ શીશ નમાવ્યું; રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોના થપ્પા અને ટ્રાફિક જામ સર્જાતાં ભક્તોમાં ભારે રોષ, તંત્ર દ્વારા આગોતરા આયોજનના અભાવે આફત સર્જાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ગરમપાની (ઉત્તરાખંડ): વિશ્વભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન અને નીમ કરોલી બાબાના પવિત્ર આશ્રમ તરીકે જાણીતા કૈંચી ધામ ખાતે શનિવારની વહેલી સવારથી જ ભક્તોનો અભૂતપૂર્વ જનમેદનીનો પ્રવાહ જોવા મળ્યો હતો. સવારના સુમારે અચાનક ઉમટી પડેલા હજારો ભક્તોના કારણે ધામની તમામ સુરક્ષા અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને દૂર-દૂર સુધી ફેલાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માનવમેહરામણ છવાઈ ગયો હતો. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી બચી અને ચારેય તરફ માત્ર બાબાના જયઘોષ સંભળાતા હતા.
અભૂતપૂર્વ ભીડથી તમામ જૂના રેકોર્ડ તૂટ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે સવારે આશરે સાડા છ વાગ્યે મહાઆરતી બાદ મંદિરના કપાટ દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે જ 'જય બાબા નીમ કરોલી'ના નાદ સાથે આશ્રમ પરિસરમાં ભક્તોનો પ્રવેશ શરૂ થયો હતો. જોકે, સમય વિતવાની સાથે જ શ્રદ્ધાળુઓની સંખ્યામાં અણધાર્યો અને પ્રચંડ વધારો થયો હતો. અગાઉ ક્યારેય ન જોવા મળી હોય તેવી ભીડ સવારના સમયે જ એકઠી થઈ જતાં પૂર્વના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા હતા. સવારના ૧૧ વાગ્યા સુધીમાં જ ૨૮ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
'હનુમાન અંશ' અને વિકેન્ડનો ડબલ ડોઝ
સ્થાનિક સૂત્રો અને ભાવિકોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ચર્ચામાં આવેલી 'હનુમાન અંશ' ફિલ્મ તેમજ શનિવાર-રવિવારની રજાઓના કારણે દર્શનાર્થીઓનો પ્રવાહ બે ગણો વધી ગયો છે. મંદિર પ્રાંગણ, મુખ્ય બજાર અને હાઈવે પર ચારેકોર લોકો જ લોકો નજરે પડતા હતા. અચાનક આવી પડેલા આ સૈલાબના કારણે મંદિર પ્રબંધન સમિતિ તથા સિક્યોરિટી સ્ટાફના પણ પસીના છૂટી ગયા હતા. આશ્રમ પરિસરમાં શ્રદ્ધાળુઓની અવરજવર જાળવી રાખવા માટે સુરક્ષાકર્મીઓએ ભારે મથામણ કરવી પડી હતી.
હાઈવે ચક્કાજામ અને તંત્ર સામે આક્રોશ
ધામમાં ભીડ અતિશય વધી જતાં તેની સીધી અસર વાહન વ્યવહાર પર પડી હતી. નેશનલ હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. કલાકો સુધી વાહનો અટવાઈ પડતાં મુસાફરો અને ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક સામાજિક સંગઠનો અને શ્રદ્ધાળુઓએ પોલીસ તથા સ્થાનિક પ્રશાસનની ઘોર બેદરકારી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનો આરોપ છે કે દર અઠવાડિયે શનિ-રવિમાં અહીં હજારો ભક્તો આવે છે તે જાણીતું હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ અગાઉથી નક્કર ટ્રાફિક કે ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવતો નથી. આગોતરી વ્યવસ્થાના અભાવે વારંવાર અફરાતફરી જેવી સ્થિતિ સર્જાય છે. જો સમયસર નક્કર આયોજન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
