તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અજાણ્યા ટૂથબ્રશે ભાંડો ફોડ્યો: રોબોટ વેક્યૂમથી પત્નીની બેવફાઈ પકડનાર પતિ કેસ જીત્યો : પણ જેલ ભેગો થયો!
તાઈવાનમાં અનોખો કાનૂની ડ્રામા: સ્માર્ટ ગેજેટથી પત્નીના લગ્નેત્તર સંબંધોનું લાઈવ રેકોર્ડિંગ કરી પતિએ 15 લાખનું વળતર જીત્યું : પ્રાઈવસી કાયદાના ઉલ્લંઘન હેઠળ કોર્ટે 5 મહિનાની કેદ અને ભારે દંડ ફટકાર્યો

તાઈપેઈ: ઘરમાં મળેલા એક અજાણ્યા ટૂથબ્રશથી શરૂ થયેલી શંકા આખરે એક એવા અજીબોગરીબ કાનૂની જંગમાં ફેરવાઈ ગઈ, જ્યાં બેવફાઈ સાબિત કરનાર પતિ પોતે જ કેદી બની ગયો. વર્ષ 2021માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ તાઈવાની દંપતીના વેકેશન એપાર્ટમેન્ટમાં સપ્ટેમ્બર 2023માં એક અજાણ્યું વપરાયેલું ટૂથબ્રશ મળી આવ્યું હતું. આ સામાન્ય લાગતી બાબતે પતિના મનમાં પ્રચંડ શંકા જગાડી. પાર્કિંગના સીસીટીવી ચેક કરતાં તેની પત્નીને કારમાં મૂકવા આવતો એક અજાણ્યો શખ્સ નજરે પડ્યો હતો, જેના પગલે પત્નીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પતિએ ઘરમાં રાખેલા સ્માર્ટ ગેજેટ્સનો સહારો લીધો હતો.
આ શંકાને પુરાવામાં બદલવા માટે પતિએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી 'રોબોટ વેક્યૂમ ક્લીનર'ને જાસૂસીનું હથિયાર બનાવ્યું. મોબાઈલ એપ મારફતે રિમોટલી ઓપરેટ થતા આ ડિવાઈસમાં કેમેરા અને ટુ-વે ઓડિયો ફીચર ઉપલબ્ધ હતું. પતિએ દૂર બેઠા એપ્લિકેશનથી રોબોટ વેક્યૂમ ચાલુ કરતાં જ તેના લાઈવ વીડિયો ફીડમાં પત્ની અન્ય પુરુષ સાથે અતિ વાંધાજનક સ્થિતિમાં કેદ થઈ ગઈ. પતિએ આ વીડિયો સેવ કરી લીધો અને કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરીને લગભગ 60 લાખ રૂપિયાના વળતરની માંગ કરી. અદાલતે સંબંધોની મર્યાદા તૂટી હોવાનું સ્વીકારીને પત્ની અને તેના પ્રેમીને 5 લાખ ન્યૂ તાઈવાન ડોલર (આશરે ₹15 લાખ) ચૂકવવાનો આદેશ આપી પતિના પક્ષમાં ચુકાદો આપ્યો.
જોકે, આ કાનૂની જીત પતિ માટે ક્ષણિક સાબિત થઈ, કારણ કે પત્નીએ તુરંત ગોપનીયતાના અધિકાર (રાઈટ ટુ પ્રાઈવસી)ના ભંગ હેઠળ વળતો ફોજદારી કેસ ઠોકી દીધો. પતિની દલીલ હતી કે બેવફાઈ સાબિત કરવા પુરાવા જરૂરી હતા, પરંતુ અદાલતે કડક વલણ અપનાવતાં સ્પષ્ટ કર્યું કે વૈવાહિક પવિત્રતા સાબિત કરવાના નામે કોઈની વ્યક્તિગત ગોપનીયતા પર તરાપ મારી શકાતી નથી. તાઈવાનના કાયદા હેઠળ પરવાનગી વગર ખાનગી પળોનું રેકોર્ડિંગ ગંભીર ગુનો બનતો હોવાથી, કોર્ટે પીડિત પતિને જ 5 મહિનાની જેલની સજા અને ₹4.48 લાખનો દંડ ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
