તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
‘શેઠોના શેઠ’ સાંવલિયા શેઠના દરબારમાં ભક્તિનો મહાસાગર: એક મહિનામાં 41.67 કરોડનું દાન, તૂટ્યો જૂનો રેકોર્ડ
રાજસ્થાનના ચિત્તોડગઢ સ્થિત માંડફિયા મંદિરમાં ભંડારો ખોલતા નીકળી કરોડોની નોટો, સોના-ચાંદીનો પણ વરસાદ; દેશ-વિદેશના ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક બન્યું મંદિર

ચિત્તોડગઢ તા.૨૫: રાજસ્થાનના પ્રસિદ્ધ સાંવલિયા શેઠ મંદિરે દાનનો નવો ઇતિહાસ રચાયો છે. ‘શેઠોના શેઠ’ તરીકે ઓળખાતા સાંવલિયા શેઠના મંદિરમાં માત્ર એક જ મહિનામાં 41.67 કરોડ રૂપિયાનું દાન આવતા જૂનો બધો રેકોર્ડ તૂટી ગયો છે.
માંડફિયા સ્થિત આ મંદિરનો ભંડારો ખોલવામાં આવતા મંદિર પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું હતું. ગણતરી દરમિયાન નોટોના બંડલોના ઢગલા લાગી ગયા હતા. રોકડ રકમ ઉપરાંત મોટા પ્રમાણમાં સોના-ચાંદીના આભૂષણો અને કિંમતી વસ્તુઓ પણ ભંડારામાંથી મળી આવી હતી.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, છેલ્લા એક મહિનામાં દેશ-વિદેશથી આવેલા લાખો ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું છે. ઓનલાઈન દાન, દાનપેટી અને મનોરથ દ્વારા આ રકમ એકત્ર થઈ છે. આ પહેલા ક્યારેય એક મહિનામાં આટલી મોટી રકમનું દાન આવ્યું ન હતું.
વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય ભક્તો સાંવલિયા શેઠને પોતાના ‘બિઝનેસ પાર્ટનર’ માને છે. નફાનો અમુક હિસ્સો તેઓ નિયમિત રીતે મંદિરમાં અર્પણ કરે છે. ભક્તોની આ અતૂટ આસ્થાના કારણે જ આજે સાંવલિયા શેઠ મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક બની ગયું છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
