તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત, ૧૧ લોકો ઇજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના એરપોર્ટ પર થયેલા ભીષણ હુમલામાં કુલ ૧૨ લોકોના મોત અને ૩૦૦થી વધુ ઘાયલ : ભારતીય દૂતાવાસે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી એડવાઈઝરી જારી કરી

રિયાધ: સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ૧૧ ભારતીયો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. રવિવારે ભારતીય દૂતાવાસ દ્વારા આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. આ હુમલામાં કુલ ૧૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ એરપોર્ટ પર થયેલા આ કાયરતાપૂર્ણ હુમલા પર સતત નજર રાખી રહ્યા છે અને ભારતીય નાગરિકોના ખબર-અંતર જાણવા માટે સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. દૂતાવાસે જણાવ્યું કે હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીય નાગરિકનું દુઃખદ અવસાન થયું છે અને દૂતાવાસ મૃતકના પરિવારના સંપર્કમાં રહીને મૃતદેહને વહેલી તકે ભારત પરત લાવવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે. અગાઉ દૂતાવાસે માહિતી આપી હતી કે આ હુમલામાં ૧૧ ભારતીયો ઘાયલ થયા છે અને અધિકારીઓ હોસ્પિટલ તંત્રના સતત સંપર્કમાં છે.
શનિવારે કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલો આ હુમલો છેલ્લા એક અઠવાડિયામાં થયેલો ત્રીજો ઘાતક હુમલો છે, જે ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધન વચ્ચે વધતા તણાવ વચ્ચે થયો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે તેઓ વિદ્રોહીઓ સામે સાઉદીના હુમલામાં જોડાવવા અંગે વિચારણા કરી રહ્યા છે, જેના કારણે હૂતીઓ બાબ-એલ-મંદેબ સ્ટ્રેટમાંથી શિપિંગ અટકાવી શકે છે અને ફારસી ખાડીમાંથી તેલના પ્રવાહને વધુ મર્યાદિત કરી શકે છે.
ભારત દ્વારા હુમલાની સખત શબ્દોમાં નિંદા:
ભારતે રિયાધ એરપોર્ટ પર થયેલા વારંવારના હુમલાઓ અંગે સખત પ્રતિક્રિયા આપતા રવિવારે જણાવ્યું હતું કે ખાડી દેશમાં નાગરિકો અને નાગરિક માળખા પર થતા આ હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તાત્કાલિક બંધ થવા જોઈએ. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે છેલ્લા કેટલાક દિવસોમાં રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા વારંવારના હુમલાઓની સખત નિંદા કરીએ છીએ, જેમાં ૧૦ ઓક્ટોબરના કાયરતાપૂર્ણ હુમલાનો પણ સમાવેશ થાય છે, જેના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે, ઈજાઓ થઈ છે અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે." વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે ભારત સાઉદી અરેબિયાના લોકો અને સરકારની સાથે તેમની સાર્વભૌમત્વની રક્ષા માટે એક થઈને ઊભું છે અને આ ક્ષેત્રમાં જલ્દી શાંતિ અને સામાન્ય સ્થિતિ ફરસ પાછી ફરે તેવી આશા રાખે છે.
વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને સતર્ક અને સાવધ રહેવા, જરૂરિયાત મુજબ ઘરની અંદર રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
