News of Sunday, 24th May 2026
છત્તીસગઢમાં માનવતાને શર્મસાર કરતી ઘટના : ૯૦ વર્ષના વયોવૃદ્ધ સાસુને પેન્શન અપાવવા માટે પુત્રવધૂ કાખમાં તેડીને ૩ કિલોમીટર પગપાળા ચાલી બેંક પહોંચી
ગામડાઓમાં બેંકિંગ સુવિધાઓના અભાવ અને કડક નિયમોના કારણે વૃદ્ધાએ અસહ્ય ગરમીમાં ભોગવવી પડી ભારે હાલાકી : સોશિયલ મીડિયા પર વહીવટી તંત્ર સામે જનતાનો ભારે આક્રોશ

રાયપુર: છત્તીસગઢના એક અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને મીડિયા પ્લેટફોર્મ પર હૃદયદ્રાવક અને વહીવટી તંત્રની પોલ ખોલતી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીં એક લાચાર પુત્રવધૂ પોતાના ૯૦ વર્ષના પથારીવશ અને અત્યંત અશક્ત એવા સાસુને સરકારી પેન્શનના પૈસા અપાવવા માટે પોતાના કાખમાં તેડીને આશરે ૩ કિલોમીટર સુધી ધોમધખતા તડકામાં પગપાળા ચાલીને સ્થાનિક બેંકની શાખા પર પહોંચી હતી. આ ઘટનાથી રાજ્યમાં સરકારી યોજનાઓ અને ડિજિટલ બેંકિંગના મોટા-મોટા દાવાઓ વચ્ચે સામાન્ય અને ગરીબ નાગરિકોને પડતી ભયાનક મુશ્કેલીઓ ખુલ્લી પડી ગઈ છે.
મળતી વિગતો મુજબ, આ ગરીબ પરિવાર ગામડામાં રહે છે અને ૯૦ વર્ષના વૃદ્ધા લાંબા સમયથી ચાલી શકવા માટે અસમર્થ છે. સરકાર તરફથી મળતું માસિક પેન્શન એ જ તેમના જીવનનિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ બેંકના કડક નિયમોના કારણે જેમાં પેન્શન ધારકે પોતે અંગૂઠો લગાવવા અથવા વેરિફિકેશન માટે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત હોવાથી, પુત્રવધૂ પાસે પોતાના અશક્ત સાસુને બેંક સુધી લઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ગામમાં વાહનવ્યવહારની કોઈ યોગ્ય સુવિધા ન હોવાથી આ મહિલાએ પોતાના સાસુને તેડીને જ આખું અંતર કાપવાનું નક્કી કર્યું હતું.
ભયાનક ગરમી અને પથરાળ રસ્તાઓ પરથી પસાર થઈને જ્યારે આ મહિલા બેંક પહોંચી, ત્યારે ત્યાં હાજર અન્ય ગ્રાહકો આ દ્રશ્ય જોઈને દ્રવી ઉઠ્યા હતા. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ છત્તીસગઢ સરકાર અને બેંક પ્રશાસન પર ફિટકાર વરસાવવાનું શરૂ કર્યું છે. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સરકાર હોમ બેંકિંગ અથવા ગામડાઓમાં જઈને પેન્શન આપવાની વાતો કરે છે, તો આવી સ્થિતિમાં એક વયોવૃદ્ધ મહિલાને આટલી હદ સુધી હેરાન કેમ થવું પડ્યું?
આ મામલો મીડિયામાં હાઈલાઈટ થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીઓએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓએ બેંક મેનેજર પાસેથી ખુલાસો માંગ્યો છે કે આવા અશક્ત ગ્રાહકો માટે વેરિફિકેશન પ્રક્રિયા ઘરે બેઠા કેમ પૂરી કરવામાં ન આવી. સરકારે ખાતરી આપી છે કે આગામી સમયમાં આ પરિવારને ઘરે બેઠા જ પેન્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, પરંતુ આ ઘટનાએ દેશના ગ્રામીણ વિસ્તારોની વાસ્તવિક અને કડવી પરિસ્થિતિ ઉજાગર કરી દીધી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
