<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ગોવાના દરિયાકિનારે જામશે રોમાંચક બૌદ્ધિક જંગ: આગામી મહિનાથી શરૂ થશે '૫મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ', ૨૦થી વધુ દેશોના દિગ્ગજો બતાવશે પોતાનો કસબ

૨૧ થી ૨૭ જૂન દરમિયાન ગોવાના લક્ઝરી રિસોર્ટમાં યોજાશે એશિયાની સૌથી મોટી માઇન્ડ સ્પોર્ટ્સ ઇવેન્ટ; ૨૦ મેડલના ભવ્ય ઈતિહાસ સાથે યજમાન ભારત ફરી ઈતિહાસ રચવા તૈયાર

પણજી (ગોવા) : ભારતનું પ્રખ્યાત પ્રવાસન રાજ્ય ગોવા હવે માત્ર સુંદર દરિયાકિનારા (બીચ) માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે બૌદ્ધિક રમતોના મહાકુંભ માટે પણ સજ્જ થઈ રહ્યું છે. બ્રિજ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) એ એક સત્તાવાર અને મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, રમતજગતમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી '૫મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ' (5th Asia Cup Bridge Championship) નું ભવ્ય આયોજન આગામી ૨૧ થી ૨૭ જૂન, ૨૦૨૬ દરમિયાન ગોવાના પ્રખ્યાત રિસોર્ટ 'તાજ સિડાડે ડી ગોવા હોરાઇઝન' ખાતે કરવામાં આવ્યું છે. દર ચાર વર્ષે એકવાર યોજાતી આ મેગા ઇવેન્ટ એશિયા ખંડની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં સ્થાન ધરાવે છે.

ચીન, જાપાન સહિત એશિયા-ઓશનિયાના ટોચના માસ્ટર્સ વચ્ચે ટક્કર

બ્રિજ (પત્તાની એક વૈશ્વિક બૌદ્ધિક રમત) ની આ હાઈ-પ્રોફાઈલ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત ઉપરાંત ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત એશિયા અને ઓશનિયા ક્ષેત્રના ૨૦ થી વધુ દેશોની ઓફિશિયલ સુપર-સ્ટાર ટીમો ભાગ લેવા માટે ભારત આવી રહી છે. આ આયોજન પાછળ ભારત સરકાર અને ફેડરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ભારતને 'બૌદ્ધિક રમતગમત' (Mind Sports) ના મુખ્ય હબ તરીકે સ્થાપિત કરવાનો અને ગોવાને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટૂરિઝમના મોટા કેન્દ્ર તરીકે દુનિયાના નકશા પર ચમકાવવાનો છે.

પુરુષો, મહિલાઓ અને સિનિયર્સ માટે અલગ-અલગ કેટેગરી

એક અઠવાડિયા સુધી ચાલનારા આ મગજના રોમાંચક યુદ્ધમાં અલગ-અલગ શ્રેણીઓ હેઠળ મુકાબલા રમાશે. આ ચેમ્પિયનશિપમાં પુરુષો, મહિલાઓ, મિક્સ્ડ (મિશ્ર) અને સિનિયર ટીમ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓપન અને મિક્સ્ડ પેર્સ (જોડીઓ) માટે પણ ખાસ સ્પર્ધાઓ યોજાશે, જે આ રમતને વધુ રસપ્રદ બનાવશે.

ભારત પાસે મેડલનો મોટો રેકોર્ડ, અંતે રમાશે 'ફ્રેન્ડશીપ ઇવેન્ટ'

તમને જણાવી દઈએ કે એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપમાં ભારતનો ઈતિહાસ ખુબ જ શાનદાર અને દબદબાભર્યો રહ્યો છે. ભારતે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૨૦ મેડલ જીત્યા છે. આ વખતે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમીને ભારતીય ખેલાડીઓ પોતાની મેડલ ટેલીને વધુ મોટી કરવા અને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવવા માટે આકરી મહેનત કરી રહ્યા છે.

આ આખી ટૂર્નામેન્ટનો અંત ૨૭ જૂનના રોજ એક અનોખી 'ફ્રેન્ડશીપ પેયર્સ ઇવેન્ટ' (Friendship Pairs Event) સાથે થશે, જેમાં ભાગ લેનારા તમામ દેશોના નોંધાયેલા ખેલાડીઓ પરસ્પર મૈત્રીપૂર્ણ સંબંધો વધારવા માટે એકસાથે કલબ રમત રમશે.

(8:36 PM IST)