News of Friday, 25th September 2026
'પુખ્ત વયની વ્યક્તિ પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે': આંતર-ધર્મીય લગ્ન અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક અને સણસણતો ચુકાદો!
માતા-પિતા કે પરિવારની મરજીથી પુખ્ત સંતાનોની પસંદગી પર નિયંત્રણ ન લાદી શકાય: બંધારણની કલમ ૨૧ હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ કોર્ટની ફરજ, પોલીસ સુરક્ષા આપવા સખત આદેશ

લખનૌ : અલ્હાબાદ હાઈકોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતા અને આંતર-ધર્મીય લગ્નોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિએ પુખ્ત વય પ્રાપ્ત કરી લીધી છે, તે પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે સંપૂર્ણપણે મુક્ત છે. આવી પસંદગીમાં માતા-પિતા કે પરિવારના અન્ય સભ્યો પોતાની ઈચ્છા લાદી શકતા નથી કે તેને નિયંત્રિત કરી શકતા નથી.
ગાઝિયાબાદની યુવતીની 'હેબિયસ કોર્પસ' અરજી પર સુનાવણી
ન્યાયમૂર્તિ સંદીપ જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો ગાઝિયાબાદની એક યુવતી દ્વારા દાખલ કરવામાં આવેલી 'હેબિયસ કોર્પસ' (વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરવાની) અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો. યુવતીએ અન્ય ધર્મના યુવક (અકબર ખાન) સાથે સ્વેચ્છાએ લગ્ન કર્યા હતા, પરંતુ તેના પરિવારજનોએ તેને પોતાની ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી હતી. કોર્ટે યુવતીની ઈચ્છા ધ્યાને લઈને તેને પોતાના પતિ સાથે રહેવાની મંજૂરી આપી હતી.
મૂળભૂત અધિકારો અને પોલીસ સુરક્ષા અંગે કડક નિર્દેશો
ચુકાદો આપતાં કોર્ટે નોંધ્યું કે, "ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ દરેક પુખ્ત નાગરિકને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. અરજદારે સભાનપણે પોતાના જીવનસાથીની પસંદગી કરી હોવાથી તેમની વ્યક્તિગત સ્વાયત્તતાનું સન્માન થવું જોઈએ." કોર્ટે સ્થાનિક સત્તાવાળાઓ અને પોલીસને આ નવદંપતીને પૂરતી સુરક્ષા આપવા અને તેમના શાંતિપૂર્ણ દાંપત્ય જીવનમાં પરિવારજનો દ્વારા કોઈપણ પ્રકારની દખલગીરી ન થાય તે સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
