તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાના વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત : રાહુલ ગાંધી સુરક્ષિત : અનેક કોંગ્રેસી કાર્યકરો અને સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત
સુલતાનપુર કોર્ટમાં માનહાનિ કેસના ચુકાદા માટે જતી વેળાએ ૯૧ કિલોમીટર માઈલસ્ટોન પાસે પાંચ વાહનો અને એમ્બ્યુલન્સ અથડાઈ : સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

લખનૌ : ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલામાં સામેલ વાહનો એકબીજા સાથે અથડાવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ૯૧ કિલોમીટર માઈલસ્ટોન નજીક સર્જાયો હતો, જ્યાં રાહુલ ગાંધીના કાફલાના પાંચ વાહનો અને એક એમ્બ્યુલન્સ વચ્ચે પરસ્પર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી.
રાહુલ ગાંધી સુલતાનપુર જઈ રહ્યા હતા, જ્યાં એક વિશેષ એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમની સામેના માનહાનિ કેસમાં સોમવારે ચુકાદો સંભવિત હતો. આ અગાઉ, રાહુલ ગાંધી સોમવારે સવારે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાયબરેલીના સાંસદ અને વિપક્ષના નેતાના સ્વાગત માટે એરપોર્ટ પર સેંકડો કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નેતાઓ એકત્રિત થયા હતા. એરપોર્ટથી રવાના થયા બાદ સુલતાનપુર જતા માર્ગમાં આ અકસ્માતની ઘટના બની હતી.
આ કેસ ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી અગાઉ બેંગલુરુમાં યોજાયેલી એક રેલી દરમિયાન તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણી સાથે સંકળેલો છે. સુલતાનપુરના જિલ્લા કોઓપરેટિવ બેંકના પૂર્વ અધ્યક્ષ અને સ્થાનિક ભાજપ રાજકારણી વિજય મિશ્રા દ્વારા ૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ આ માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે રાહુલ ગાંધીએ ૨૦૨૩માં કોર્ટમાં હાજર થઈને જામીન મેળવ્યા હતા. અગાઉ કોર્ટે ૧૩ ઓક્ટોબરે ચુકાદો આપવાનું નક્કી કર્યું હતું, જે બાદ તારીખ ૨૬ ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. કોર્ટની આ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સુલતાનપુર કોર્ટ સંકુલની આસપાસ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
