તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
AMU શિક્ષકની હત્યાનો બદલો: STF એ 1 લાખના ઈનામી બદમાશ ઝુબૈર અને તેના સાથીને એન્કાઉન્ટરમાં ફૂંકી માર્યા, 36 રાઉન્ડ ગોળીબારથી મેરઠ ગુંજી ઉઠ્યું!
શિક્ષક દાનિશ અલી પર 5 ગોળીઓ ચલાવનાર કુખ્યાત ઝુબૈર ગેંગનો સફાયો; રાત્રિના અંધકારમાં પોલીસ અને ગુનેગારો સામસામે, ઘટનાસ્થળેથી પિસ્તોલ અને બાઈક જપ્ત

મેરઠ, તા.૧૩: ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે યોગી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) ને મોટી સફળતા મળી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના કોમ્પ્યુટર શિક્ષક દાનિશ અલીની ધોળા દિવસે હત્યા કરનાર મુખ્ય સૂત્રધાર ઝુબૈર અને તેના સાથી સમીરને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બુધવારે વહેલી સવારે મેરઠના અલીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં બંને તરફથી આશરે ૩૬ રાઉન્ડ ગોળીબાર થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
ધોળા દિવસે કરી હતી શિક્ષકની હત્યા
ઘટનાની વિગત મુજબ, ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ઝુબૈરે કેમ્પસ નજીક જ દાનિશ અલી પર અંધાધૂંધ ૫ ગોળીઓ ચલાવી તેમની હત્યા કરી નાખી હતી. ઝુબૈરને શંકા હતી કે દાનિશ અલી પોલીસના બાતમીદાર છે અને તેની માહિતી લીક કરી રહ્યા છે. આ હત્યા બાદ ઝુબૈર ફરાર હતો અને તેના પર ૧ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઝુબૈર કુખ્યાત મુનીર ગેંગનો સક્રિય સભ્ય હતો અને તેના પર હત્યા, લૂંટ તેમજ હથિયારોની હેરાફેરીના ૨૪ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
મેરઠમાં મોટી લૂંટનો હતો પ્લાન
STF ને બાતમી મળી હતી કે ઝુબૈર તેના સાથીદાર સાથે મેરઠમાં કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. પોલીસે અલીપુર પાસે ઘેરાબંધી કરતા બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. વળતા જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો જેમાં સમીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઝુબૈરને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક બાઈક, બે .૩૨ બોરની પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કર્યા છે.
ન્યાયની દિશામાં મોટું પગલું
AMU શિક્ષકની હત્યા બાદ યુનિવર્સિટી કેમ્પસ અને શૈક્ષણિક જગતમાં ભારે રોષ હતો. આ એન્કાઉન્ટરને પોલીસની મોટી સફળતા માનવામાં આવે છે. સ્થાનિક લોકો અને શિક્ષકના પરિવારે આ કાર્યવાહીને ન્યાય તરફનું મહત્વનું પગલું ગણાવ્યું છે. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યો અને તેમને મદદ કરનારા નેટવર્કની પણ તપાસ કરી રહી છે. આ કાર્યવાહીથી વિસ્તારના કુખ્યાત ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
