તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
AMU માં આફ્રિકન વિદ્યાર્થીએ ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી ‘આગ’: મેટ્રો, એસી અને સ્વિમિંગ પૂલના એવા વાયદા કર્યા કે આખું કેમ્પસ ગાંડું થયું!
“હું ખોટા વાયદા નહીં કરું” કહીને અય્યુબાએ વચનોનો વરસાદ કરી દીધો; ત્રણ ટાઈમ ચા અને વોશિંગ મશીનની જાહેરાત બાદ ‘અય્યુબા ઝિંદાબાદ’ના નારા લાગ્યા

અલીગઢ, તા.30: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) હંમેશા તેના ઉત્સાહ અને રાજકારણ માટે જાણીતી છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક આફ્રિકન વિદ્યાર્થીએ ધૂમ મચાવી દીધી છે. નદીમ તારીન (NT) હોલની ચૂંટણીમાં સેક્રેટરી પદ માટે ઉભા રહેલા અય્યુબા નામના વિદ્યાર્થીએ શુદ્ધ હિન્દીમાં એવું ભાષણ આપ્યું કે સાંભળનારા હસી-હસીને લોટપોટ થઈ ગયા હતા. તેનો આ વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
વચનોની એવી ઝડી વર્ષાવી કે નેતાઓ પણ શરમાઈ જાય!
પોતાના ભાષણની શરૂઆતમાં અય્યુબાએ ખૂબ જ ગંભીરતાથી કહ્યું, "જેમ કે તમે બધા જાણો છો... હું ખોટા વાયદા નહીં કરું." પરંતુ, આટલું બોલતાની સાથે જ તેણે વચનોનું એવું લિસ્ટ ખોલ્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે ગરમીથી બચવા માટે દરેક વિદ્યાર્થીને 'એસી' (AC) આપવાનું અને એનેક્સમાં 5 એસી લગાવવાનું વચન આપ્યું. આટલેથી ન અટકતા તેણે એવું પણ કહ્યું કે, "NT હોલથી કોલેજ ઘણી દૂર છે, એટલે હું તમારા માટે સ્પેશિયલ 'મેટ્રો' (Metro) શરૂ કરાવીશ!"
સ્વિમિંગ પૂલ અને ત્રણ ટાઈમ ચાની ઓફર
અય્યુબાએ પોતાના સાથી વિદ્યાર્થીઓના દિલ જીતવા માટે વધુમાં વચન આપ્યું કે તે હોલમાં સ્વિમિંગ પૂલ બનાવશે અને દરેક ફ્લોર પર વોશિંગ મશીન મુકાવશે. જોકે, સૌથી વધુ લોકપ્રિયતા તેને 'ચા' ના વાયદાએ અપાવી. તેણે કહ્યું, "જો હું સેક્રેટરી બનીશ તો NT હોલના તમામ વિદ્યાર્થીઓને દિવસમાં ત્રણ ટાઈમ ચા મળશે." આ સાંભળતા જ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો અને 'અય્યુબા ઝિંદાબાદ' ના નારાથી આખું હોલ ગુંજી ઉઠ્યું હતું.
સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો જાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે મજાકમાં લખ્યું કે, "જેણે પણ આનું ભાષણ લખ્યું છે તેણે પર્સનલ દુશ્મની કાઢી લાગે છે!" તો વળી કોઈકે તેને 'ફ્યુચર લીડર' અને 'લાખો દિલોની ધડકન' ગણાવ્યો છે. ભલે આ વચનો અશક્ય લાગતા હોય, પણ અય્યુબાએ જે આત્મવિશ્વાસ અને રમુજી અંદાજમાં પોતાની વાત રજૂ કરી, તેણે તેને રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બનાવી દીધો છે. AMU ની આ ચૂંટણીમાં અય્યુબાના આ અંદાજે આંતરરાષ્ટ્રીય લેવલનો તડકો લગાવી દીધો છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
