News of Monday, 14th September 2026
અમૃતસરનું વિશ્વપ્રસિદ્ધ 'સ્વર્ણમંદિર': ભક્તિ, સ્થાપત્ય અને સામાજિક સમરસતાનો અલૌકિક સંગમ; જાણે દરેક ધર્મના લોકો માટે આસ્થાનું અનંત ધામ
૪૦૦ વર્ષથી વધુ પ્રાચીન હરમિંદર સાહેબનો ઈતિહાસ અને આધ્યાત્મિક મહાત્મ્ય; ૨૪ કલાક ધમધમતા વિશાળ લંગરથી લઈને અમૃત સરોવરના ચમત્કારિક જળ સુધીની રસપ્રદ વિગતો

અમૃતસર, તા.૧૪: પંજાબના ઐતિહાસિક અમૃતસર શહેરના હૃદયસમા 'હરમિંદર સાહેબ' અથવા 'દરબાર સાહેબ', જે સમગ્ર વિશ્વમાં 'સ્વર્ણમંદિર' (Golden Temple) તરીકે પ્રખ્યાત છે, તે માત્ર શીખ ધર્મ જ નહીં પરંતુ તમામ ધર્મોના લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. ચારેય દિશાઓમાં ખુલ્લા ચાર દરવાજા ધરાવતું આ પવિત્ર સ્થળ સંદેશ આપે છે કે અહીં કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેક માનવીનું સ્વાગત છે. સોનાના પતરાંથી મઢેલી આ અલૌકિક ઈમારત અને આસપાસનું વાતાવરણ દર્શનાર્થીઓને એક અનોખી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે.
ઈતિહાસના ઉતાર-ચઢાવ અને પુનઃનિર્માણની ગાથા
આ પવિત્ર ગુરુદ્વારાનો પાયો શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસજીએ નાખ્યો હતો, જ્યારે કેટલાંક ઐતિહાસિક સ્ત્રોતો અનુસાર ગુરુજીએ લાહોરના સૂફી સંત મિયાં મીર પાસે ડિસેમ્બર-૧૫૮૮માં આનો પાયો નખાવ્યો હતો. પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ મંદિરની સ્થાપત્ય રચના કરી હતી. ૧૬મી સદીના અંતમાં નિર્માણ પામેલું આ મંદિર અનેકવાર આક્રમણોનો ભોગ બન્યું. ૧૮મી સદીમાં અફઘાન હુમલાખોરો દ્વારા ધ્વસ્ત કરાયા બાદ મહારાજા રણજીતસિંહે આ ગુરુદ્વારાનું પુનઃનિર્માણ કરાવ્યું અને તેની બહારની દીવાલો પર શુદ્ધ સોનાના પતરાં મઢાવ્યા હતા, જેના કારણે તે 'સ્વર્ણમંદિર' તરીકે ઓળખાયું.
અમૃત સરોવર અને અકાલ તખ્તનું મહત્ત્વ
માનવ નિર્મિત ટાપુ પર સ્થિત આ મંદિર એક સુંદર પુલ દ્વારા કિનારા સાથે જોડાયેલું છે. મંદિરની આસપાસ ફેલાયેલા જળાશયને 'અમૃત સરોવર' કહેવામાં આવે છે, જેમના નામ પરથી આ શહેરનું નામ અમૃતસર પડ્યું છે. એવી લોકવાયકા છે કે આ સરોવરમાં સ્નાન કરવાથી તમામ શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે. સરોવરનું પાણી સતત ફિલ્ટર કરીને દર પાંચ વર્ષે તેનું સમારકામ કરવામાં આવે છે. ગુરુદ્વારાની પાસે જ સોનાના પતરાથી જડાયેલું ૧૬૦૯માં સ્થાપિત 'અકાલ તખ્ત' આવેલું છે, જ્યાં શીખ ધર્મ સંબંધિત મહત્ત્વના નિર્ણયો લેવાય છે.
૨૪ કલાક ચાલતું વિશ્વનું સૌથી મોટું લંગર અને દિનચર્યા
સ્વર્ણમંદિરની સૌથી મોટી વિશેષતા અહીં ૨૪ કલાક ધમધમતું 'લંગર' (મફત ભોજનાલય) છે. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) અને સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ લંગરમાં દરરોજ આશરે ૪૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ એકસાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરે છે. આ ઉપરાંત, દૂર-દૂરથી આવતા યાત્રાળુઓ માટે ૧૭૮૪માં બનેલી 'ગુરુ રામદાસ સરાય'માં વિનામૂલ્યે રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે.
અહીં દરરોજ સવારે અઢી વાગ્યે 'પ્રકાશોત્સવ' પ્રસંગે ગુરુગ્રંથ સાહિબજીને ભજન-કીર્તન સાથે પાલખીમાં બિરાજમાન કરી ગુરુદ્વારામાં લાવવામાં આવે છે અને રાત્રે 'સુખાસન' પરંપરા હેઠળ તેમના રૂમમાં પરત લઈ જવાય છે. વૈશાખી, લોહડી અને ગુરુનાનક જયંતિ જેવા પર્વો પર અહીં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
