<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

અમૃતસર એરપોર્ટ પર ડ્રોન હલચલથી અફરાતફરી: સુરક્ષાના ભાગરૂપે એરસ્પેસ બંધ કરી ત્રણ વિમાનો દિલ્હી અને ચંદીગઢ ડાયવર્ટ કરાયા

રાસાસાની વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન દેખાતા મોડી રાત્રે એરપોર્ટ ઓપરેશન્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા; આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત ત્રણ વિમાનોના માર્ગ બદલાતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

અમૃતસર : પંજાબના અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામ દાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ ડ્રોન ગતિવિધિ જોવા મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટના ઓપરેશનલ એરિયા અને રનવે નજીક અચાનક ડ્રોન નજરે પડતા સુરક્ષા અને સલામતીના કડક પગલાં સ્વરૂપે એરપોર્ટનું એરસ્પેસ અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે ત્રણ મહત્વની ફ્લાઈટ્સને તાત્કાલિક અન્યત્ર ડાયવર્ટ કરવી પડી હતી.

 

ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, રવિવારે રાત્રે આશરે સાડા નવે વાગ્યાના અરસામાં એરપોર્ટ નજીક આવેલા રાસાસાની વિસ્તારના એક ગામ પાસે બેથી ત્રણ શંકાસ્પદ ડ્રોન ઉડતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કેન્દ્રીય આઉદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના જવાનોએ તરત જ આ બાબતે એરપોર્ટ કંટ્રોલ રૂમને એલર્ટ કર્યો હતો. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક રનવે ઓપરેશન્સ અસ્થાયી રૂપે રોકી દીધા હતા, જેને કારણે અમૃતસર આવનારી ત્રણ ફ્લાઈટ્સના માર્ગમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

 

આ સુરક્ષા એલર્ટની અસર મુખ્યત્વે ત્રણ મોટી ફ્લાઈટ્સ પર જોવા મળી હતી. દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ (AI-855) ને પરત દિલ્હી મોકલી દેવામાં આવી હતી, જ્યારે મુંબઈથી આવેલી ઇન્ડિગોની ફ્લાઈટ (6E-5028) ને ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત કુઆલાલંપુરથી અમૃતસર આવી રહેલી મલેશિયા એરલાઇન્સની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ (MH-118) ને પણ સુરક્ષા કારણોસર દિલ્હી તરફ વાળી દેવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે એરપોર્ટ પર પહોંચેલા અનેક મુસાફરો લાંબા સમય સુધી અટવાયા હતા અને એરપોર્ટ પર યોગ્ય માહિતીના અભાવે રોષ પણ વ્યક્ત કર્યો હતો.

 

સુરક્ષા દળો દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવ્યા બાદ રાત્રે આશરે સાડા દસ વાગ્યા પછી એરપોર્ટનું વિમાન સંચાલન પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યું હતું. ચંદીગઢ એરપોર્ટના અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ડાયવર્ટ કરાયેલી ઇન્ડિગોની ફ્લાઈટ મોડી રાત્રે ચંદીગઢ ઉતરાણ કર્યા બાદ ફરી અમૃતસર માટે રવાના થઈ હતી. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ડ્રોન કોણે અને શા માટે ઉડાવ્યા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે અમૃતસર એરપોર્ટ આસપાસ ડ્રોન દેખાવાની આ પહેલી ઘટના નથી, આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ સમાન પ્રકારની ઘટના બની હતી જેમાં સાત જેટલી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. જો કે ગત સપ્ટેમ્બરમાં થયેલી પ્રાથમિક તપાસમાં તે ડ્રોન કોઈ સ્થાનિક વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં વ્યસ્ત એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારમાં વારંવાર ડ્રોન દેખાવાની આ ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.

 

(5:50 PM IST)