<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

"અમૃતપાલમાં પંજાબને બદલવાની ક્ષમતા છે": ખદૂર સાહિબના સાંસદના સમર્થનમાં આવ્યા ધ ગ્રેટ ખલી, જેલમાંથી મુક્ત કરવાની કરી માંગ!

ભૂતપૂર્વ WWE ચેમ્પિયન અને ભાજપ નેતા દલીપ સિંહ રાણાના નિવેદનથી રાજકારણ ગરમાયું: ડ્રગ્સ મુક્ત પંજાબ માટે અમૃતપાલ સિંહના કામની સરાહના કરી AAP ની 'રેવડી કલ્ચર' નીતિ પર ઉઠાવ્યા સવાલો

ચંદીગઢ : પંજાબના રાજકારણમાં અને ભાજપની ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી 'ડ્રગ-મુક્ત પંજાબ યાત્રા' પહેલાં એક મોટો રાજકીય ભડકો થયો છે. ભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ (WWE) વર્લ્ડ ચેમ્પિયન અને ભાજપના નેતા દલીપ સિંહ રાણા ઉર્ફે 'ધ ગ્રેટ ખલી' એ જેલમાં બંધ ખદૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહના ખુલ્લા સમર્થનમાં આવીને સૌને ચોંકાવી દીધા છે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ખલીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમૃતપાલ સિંહમાં પંજાબ રાજ્યની સ્થિતિ સુધારવાની અને તેને નશા મુક્ત કરવાની અદ્ભુત ક્ષમતા છે, તેથી તેમને જેલમાંથી મુક્ત કરીને રાજકારણમાં સક્રિય રીતે કામ કરવાની પૂરતી તક મળવી જોઈએ.

 

ધ ગ્રેટ ખલીએ ઉમેર્યું હતું કે અમૃતપાલ સિંહે પંજાબના ભટકેલા યુવાનોને સિખ ધર્મનું અમૃત ગ્રહણ કરવા, મસ્તક પર પાઘડી બાંધવા અને નશાના દૂષણથી દૂર રહેવા માટે પ્રેરણા આપી છે. તેથી તેમના યોગદાનને માત્ર નકારાત્મક દૃષ્ટિકોણથી મૂલવવું યોગ્ય નથી. રાજકીય અનુભવ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ખલીએ દાવો કર્યો હતો કે પંજાબને સુધારવા કે સત્ય બોલવા માટે કોઈ ખાસ રાજકીય તાલીમ કે અનુભવની જરૂર હોતી નથી. જો અમૃતપાલને ખુલ્લેઆમ કામ કરવા દેવામાં આવે તો તેઓ પંજાબનું સારું સંચાલન કરી શકે છે.

 

આ સાથે જ ખલીએ પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારની મફતની નીતિઓ (રેવડી કલ્ચર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મહિલાઓને નાણાકીય સહાય, મફત બસ સેવા અને વીજળી જેવી યોજનાઓનો વિરોધ કરતા કહ્યું કે તેઓ મફત ભેટો આપવાના પક્ષમાં બિલકુલ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની જાલંધરથી ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ જો પંજાબમાં ભાજપ સત્તામાં આવશે તો જ રાજ્યની સ્થિતિમાં વાસ્તવિક સુધારો આવશે.

 

(7:45 PM IST)