તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
અમિતભાઈ શાહનું મોટું નિવેદન : ભારત હવે નક્સલ મુક્ત થયું, 31 માર્ચ 2026 નું ટાર્ગેટ સમય પહેલા પૂર્ણ, કેન્દ્ર સરકારની ઐતિહાસિક સફળતાની જાહેરાત
સેવા સંકલ્પ અભિયાન હેઠળ છત્તીસગઢના જગદલપુરમાં દિવ્યાંગોને સહાય વિતરણ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ કહ્યું - "નક્સલવાદ ખતમ એ પાંચ દાયકાની વેદનાનો અંત", બસ્તર નક્સલ મુક્ત બન્યું, અત્યાર સુધીમાં 8,526 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હી/જગદલપુર, તા.15 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે દેશને મોટી ભેટ આપતા જાહેરાત કરી છે કે ભારત હવે સંપૂર્ણપણે નક્સલ મુક્ત બની ગયું છે. તેઓ છત્તીસગઢના જગદલપુરમાં યોજાયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દિવ્યાંગ સહાયતા વિતરણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.
આ કાર્યક્રમમાં નક્સલ હિંસાથી પ્રભાવિત થયેલા આદિવાસી ભાઈ-બહેનોને કૃત્રિમ હાથ-પગ, વ્હીલચેર અને ટ્રાયસાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગૃહમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 જાન્યુઆરી 2024 ના રોજ બંધ બારણે બેઠકમાં 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદ ખતમ કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારે ઘણા લોકોને આ અશક્ય લાગતું હતું, પરંતુ સુરક્ષા દળોની મહેનતથી આ લક્ષ્ય સમય પહેલા હાંસલ કરી લેવાયું છે.
તેમણે કહ્યું કે "IED લગાવીને કોઈના હાથ-પગ ઉડાવી દેવા કરતા મોટું માનવ અધિકારોનું ઉલ્લંઘન બીજું કોઈ નથી". નક્સલવાદના અંત સાથે હવે બસ્તર અને સમગ્ર દેશમાં વિકાસની નવી દિશા ખુલશે.
સરકારના આંકડા મુજબ અત્યાર સુધીમાં 8,526 નક્સલીઓએ હથિયાર છોડી મુખ્ય ધારામાં પાછા ફર્યા છે, જેમાંથી 7,500 લોકોને બેંક એકાઉન્ટ, 455 ને સરકારી નોકરી અને 129 પરિવારોને જમીન ફાળવવામાં આવી છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ પણ જણાવ્યું કે મોદી સરકારના નેતૃત્વમાં છત્તીસગઢને મળેલો આ સૌથી મોટો લાભ છે, જેનાથી બસ્તરના નિર્દોષ આદિવાસીઓ વિકાસથી વંચિત રહેવાની પીડામાંથી મુક્ત થશે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
