તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ગંભીર તબિયતના આધારે અનિલ અંબાણી જૂથના પૂર્વ વરિષ્ઠ અધિકારી અમિતાભ ઝુનઝુનવાલાને દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આપ્યા નિયમિત જામીન
₹૧૫,૦૦૦ કરોડના કૌભાંડ અને શેલ કંપનીઓ દ્વારા નાણાંની ગેરરીતિના ગંભીર આક્ષેપો વચ્ચે ઇડીના તીવ્ર વિરોધ છતાં અદાલતે જેલમાં હાર્ટ એટેક અને બગડતી શારીરિક સ્થિતિને ધ્યાને લઈ ૧ લાખ રૂપિયાના બોન્ડ તથા કડક શરતો સાથે મુક્તિનો આદેશ આપ્યો

નવી દિલ્હી:રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના પૂર્વ ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને વરિષ્ઠ અધિકારી અમિતાભ ઝુનઝુનવાલા માટે કાનૂની મોરચે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રૂ. ૧૫,૦૦૦ કરોડના કૌભાંડ સંદર્ભે દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી હાઈકોર્ટે અમિતાભ ઝુનઝુનવાલાને તબીબી આધાર (મેડિકલ ગ્રાઉન્ડ) પર નિયમિત જામીન મંજૂર કર્યા છે.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મધુ જૈનની બેંચે જામીન અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું હતું કે અરજદારની શારીરિક પરિસ્થિતિ અને મેડિકલ રેકોર્ડ દર્શાવે છે કે તેઓ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) ની કલમ ૪૫(૧) હેઠળ આટલી ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિ તરીકે વૈધાનિક અપવાદના હકદાર છે. અદાલતે ૧ લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ અને એટલી જ રકમના બે જામીન રજૂ કરવાની શરતે આ જામીન આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે પાસપોર્ટ સરન્ડર કરવા, દેશ બહાર ન જવા અને તપાસ અધિકારીને પોતાનું રહેઠાણ અને સંપર્ક નંબર આપવા સહિતની કડક શરતો પણ લાદી છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) સાથે જોડાયેલા આ મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા અમિતાભ ઝુનઝુનવાલાની ૧૫ એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, સેશન કોર્ટે (રાઉસ એવન્યુ કોર્ટ) તેમની જામીન અરજી ફગાવી દીધી હતી, જેની સામે તેમણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
ઝુનઝુનવાલા વતી રજૂઆત કરતા વરિષ્ઠ એડવોકેટ મહેશ જેઠમલાણી અને રબાન જોને કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે ૭૦ વર્ષીય આરોપી ગંભીર શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જેલ દરમિયાન તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો અને તેમની યોગ્ય એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી નહોતી. જેલ હોસ્પિટલ અને ખાનગી સારવાર વચ્ચે સતત વિસંગતતા હોવાનું દર્શાવીને તબીબી સારવારની તાતી જરૂરિયાત હોવાની દલીલ કરવામાં આવી હતી.
બીજી તરફ, તપાસ એજન્સી ED તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ ઝોહેબ હોસૈને જામીનનો સખત વિરોધ કર્યો હતો. એજન્સીએ દાવો કર્યો હતો કે ઝુનઝુનવાલા લગભગ ૧૬ વર્ષ સુધી અનિલ અંબાણી જૂથમાં સર્વોચ્ચ પદ પર રહ્યા હતા અને ૩૯ જેટલી શેલ કંપનીઓ દ્વારા આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની મોટી રકમ ડાયવર્ટ કરવાના મુખ્ય સૂત્રધાર છે. તપાસ હજુ ચાલુ છે અને તેઓ પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી પુરાવા સાથે છેડછાડ કે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
જોકે, દિલ્હી હાઈકોર્ટે એજન્સીની ચિંતાઓને કડક શરતો સાથે સંતુલિત કરીને, આરોપીની વય, પાંચ દાયકાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી અને કથળતી જતી શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આખરે જામીન મુક્તિનો આદેશ જાહેર કર્યો હતો.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
