તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 25th April 2026
બંગાળના જંગમાં અમિતભાઈ શાહનો હુંકાર: "પહેલા તબક્કામાં જ ભાજપ 110 બેઠકો જીતી ગયું છે, 5 મેથી દીદીની વિદાય નિશ્ચિત"
ભાજપ સત્તામાં આવતા જ CAA લાગુ કરશે અને મટુઆ સમુદાયને મળશે નાગરિકતા; ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢવાની અને મહિલાઓને રાત્રે 1 વાગ્યે પણ સુરક્ષા આપવાની હોમ મંત્રીની ગેરંટી

બર્દવાન: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂર્વ બર્દવાનના જમાલપુર અને હાવડાના શ્યામપુરમાં પ્રચંડ જનસભા ગજવતા દાવો કર્યો હતો કે, પ્રથમ તબક્કાની 152 બેઠકોમાંથી ભાજપ 110 બેઠકો જીતીને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. શાહે મમતા બેનર્જી પર સીધા પ્રહાર કરતા કહ્યું કે, "દીદીનો સમય હવે પૂરો થયો છે અને 4 મેના રોજ મતગણતરી બાદ બંગાળમાં પરિવર્તનનો સૂર્યોદય થશે."
અમિતભાઈ શાહે ભાજપના એજન્ડાને સ્પષ્ટ કરતા જાહેરાત કરી કે 5 મેના રોજ સરકાર બનતાની સાથે જ નાગરિકતા સુધારો કાયદો (CAA) ઝડપથી લાગુ કરવામાં આવશે. તેમણે ખાસ કરીને મટુઆ સમુદાયને સંબોધતા કહ્યું કે, મમતા સરકારે તમને અત્યાર સુધી નાગરિકતાના અધિકારોથી વંચિત રાખ્યા છે, પરંતુ ભાજપ સરકાર દરેક મટુઆ ભાઈ-બહેનને સન્માન સાથે નાગરિકતા અપાવશે. શાહે ઘૂસણખોરીના મુદ્દે પણ આકરું વલણ અપનાવતા કહ્યું કે, "ઘૂસણખોરો આપણા યુવાનોની નોકરીઓ છીનવી રહ્યા છે, તેમને પસંદગીપૂર્વક બહાર કાઢવામાં આવશે."
મહિલા સુરક્ષા અને આર્થિક પેકેજની લહાણી:
સંદેશખાલી અને આર.જી. કર હોસ્પિટલ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરી શાહે મમતા સરકારને મહિલા સુરક્ષાના મુદ્દે ઘેરી હતી. તેમણે વચન આપ્યું કે, "દીદી કહે છે કે મહિલાઓએ રાત્રે 7 વાગ્યા પછી બહાર ન નીકળવું જોઈએ, પણ ભાજપ શાસનમાં કોઈ દીકરી રાત્રે 1 વાગ્યે પણ નીકળશે તો કોઈ તેની સામે જોવાની હિંમત નહીં કરે." આ સાથે જ તેમણે આર્થિક વચનોની લહાણી કરતા જણાવ્યું કે, જૂન મહિનાથી મહિલાઓના ખાતામાં દર મહિને ₹3,000 જમા થશે અને ગર્ભવતી મહિલાઓને ₹21,000ની સહાય મળશે.
રામ મંદિર vs બાબરી મસ્જિદ અને ભ્રષ્ટાચાર:
ચૂંટણી પ્રચારને હિન્દુત્વ તરફ વાળતા શાહે કહ્યું કે, એક તરફ પીએમ મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવ્યું છે, જ્યારે બીજી તરફ મમતા દીદીના શિષ્યો બંગાળમાં ફરી બાબરી મસ્જિદ બનાવવાના સપના જુએ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યાં સુધી ભાજપનો એક પણ કાર્યકર જીવિત છે, ત્યાં સુધી બંગાળમાં બાબરી મસ્જિદ નહીં બને. આ ઉપરાંત, તેમણે રાજ્યમાં ચાલતા 'સિન્ડિકેટ શાસન' અને 'કટ-મની' પ્રથાને જડમૂળથી ઉખેડી ફેંકવાની ખાતરી આપી હતી. સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ અને બેરોજગાર યુવાનો માટે ભથ્થાની જાહેરાત કરીને શાહે મધ્યમ વર્ગને પણ રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
