<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

બંગાળના રણમેદાનમાં અમિત શાહની ગર્જના: "મમતાના ગઢમાં હવે બાબરીના સપના જોવાનું બંધ કરો, અહીં ભાજપનું શાસન આવશે"

માલદાની ધરતી પરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ હુમાયુ કબીરને 'દીદીના એજન્ટ' ગણાવીને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે મમતા બેનર્જી સરકારને ઘેરી : ઘૂસણખોરી રોકવા 600 એકર જમીન પર ફેન્સિંગ કરવાની મોટી જાહેરાત

માલદા: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ અત્યારથી જ ગરમાયો છે. માલદામાં એક વિરાટ જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી અને પૂર્વ ટીએમસી નેતા હુમાયુ કબીર પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે સીધો આરોપ લગાવ્યો કે મુર્શિદાબાદમાં 'બાબરી મસ્જિદ' બનાવવાની વાતો કરનારા હુમાયુ કબીર હકીકતમાં મમતા બેનર્જીના ઈશારે કામ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે બંગાળની પવિત્ર ધરતી પર હવે કોઈ નવી બાબરી મસ્જિદ બનવા દેવામાં આવશે નહીં. શાહે કહ્યું કે, "દીદી, તમારો સમય હવે પૂરો થઈ ગયો છે, બંગાળમાં ભાજપની સરકાર આવી રહી છે અને અહીં તુષ્ટિકરણની રાજનીતિને કોઈ સ્થાન નથી."

અમિત શાહે પોતાના ભાષણમાં ઘૂસણખોરીના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રમાં રાખ્યો હતો. તેમણે મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરોના નામ હટાવી રહ્યું છે, ત્યારે મમતા બેનર્જીને કેમ પીડા થઈ રહી છે? શાહે જનતાને ખાતરી આપી હતી કે ભાજપ સત્તામાં આવતાની સાથે જ દેશના દરેક ઘૂસણખોરને શોધીને બહાર કાઢશે. તેમણે મમતા સરકારને 'ઘૂસણખોરોની રક્ષક' ગણાવીને બંગાળની સુરક્ષા માટે પરિવર્તન લાવવા હાકલ કરી હતી.

આ રેલી દરમિયાન શાહે એક મહત્વપૂર્ણ સુરક્ષા એક્શન પ્લાનની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે, તો માત્ર 45 દિવસની અંદર સરહદી વિસ્તારોમાં વાડ  માટે જરૂરી 600 એકર જમીન ભારત સરકારને સોંપી દેવામાં આવશે. આ જમીન પર કડક ફેન્સિંગ કરીને સરહદો સીલ કરી દેવામાં આવશે જેથી બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી પર કાયમી બ્રેક લગાવી શકાય. આમ, અમિત શાહે બંગાળની ધરતી પરથી વિકાસની સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને હિન્દુત્વનો મજબૂત એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે.

(10:31 PM IST)