તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
અમિત શાહની સંસદમાં ગર્જના: "સીમાંકનનો વિરોધ એટલે SC/ST ના અધિકારોનો વિરોધ!"
મહિલા અનામત અને સીમાંકન પર વિપક્ષના સવાલોના ગૃહમંત્રીએ આપ્યા ધારદાર જવાબ : 2026માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી અને 2029માં મહિલા સાંસદોના નવા યુગની કરી મોટી જાહેરાત

નવી દિલ્હી : લોકસભામાં મહિલા અનામત અને નવા સીમાંકન કાયદા પર ચાલી રહેલી ગરમાગરમ ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે સીમાંકન એ માત્ર ભૌગોલિક પ્રક્રિયા નથી, પરંતુ તે બંધારણના મૂળભૂત સિદ્ધાંત 'એક વ્યક્તિ, એક મત, એક મૂલ્ય'ને સ્થાપિત કરવાનો પ્રયાસ છે. શાહે ચોંકાવનારા આંકડા આપતા કહ્યું કે હાલમાં દેશમાં 127 એવી બેઠકો છે જ્યાં મતદારોની સંખ્યા 20 લાખથી વધુ છે, જ્યારે ક્યાંક માત્ર 6 લાખ મતદારો પર એક પ્રતિનિધિ છે. આ અસમાનતા દૂર કરવી અનિવાર્ય છે અને સીમાંકનનો વિરોધ કરનારાઓ વાસ્તવમાં SC અને ST સમુદાયની વધતી વસ્તી મુજબ તેમની બેઠકો વધારવાનો વિરોધ કરી રહ્યા છે.
વિપક્ષ દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા OBC અનામત અને વસ્તી ગણતરીના મુદ્દે ગૃહમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી કેબિનેટે પહેલેથી જ નિર્ણય લીધો છે કે 2026ની વસ્તી ગણતરી 'જાતિ આધારિત' (Caste Census) હશે. વિપક્ષ પર ગેરસમજ ફેલાવવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં કોઈ વિલંબ કરવામાં આવશે નહીં. આ વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકનને આધારે જ 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને અનામતનો લાભ મળશે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જે પક્ષે 50 વર્ષ સુધી દેશને યોગ્ય પ્રતિનિધિત્વથી વંચિત રાખ્યો, તેઓ આજે વિલંબના સવાલો ઉઠાવી રહ્યા છે.
ચર્ચા દરમિયાન જ્યારે વિપક્ષે 'ઉત્તર વિરુદ્ધ દક્ષિણ'ની કથા બનાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે અમિત શાહે તેને દેશના ટુકડા કરવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે દક્ષિણ ભારતના રાજ્યોને ખાતરી આપતા કહ્યું કે સીમાંકનને કારણે કોઈ પણ રાજ્યને અન્યાય કે નુકસાન થશે નહીં. દક્ષિણના રાજ્યોનો સંસદ પર એટલો જ અધિકાર છે જેટલો ઉત્તરના રાજ્યોનો છે. ભારત સરકાર કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર દેશના કલ્યાણ માટે કટિબદ્ધ છે. 56 મહિલા સાંસદોની સહભાગિતા સાથેની આ ચર્ચાના અંતે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નારી શક્તિ વંદન કાયદો ભારતીય લોકશાહીમાં એક નવો અધ્યાય લખશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
