News of Wednesday, 6th May 2026
તામિલનાડુમાં 'થલપતિ'ની આંધી વચ્ચે "વિજય"ને રોકવા કટ્ટર દુશ્મનો ડીએમકે-અન્નાદ્રમુક વચ્ચે ગઠબંધનની ભારે ચર્ચાઓ: સત્ય કે અફવા?
૪૦થી વધુ બેઠકો જીતનાર એઆઈએડીએમકેમાં આંતરિક વિખવાદ: પાર્ટીના વડા પલાનીસ્વામી (ઈપીએસ) ભાજપના દબાણને કારણે ટીવીકે પક્ષને સમર્થન આપતા અચકાઈ રહ્યા છે: જ્યારે શનમુગમ અને વેલુમણી જેવા વરિષ્ઠોના નેતૃત્વમાં ૩૦ ધારાસભ્યો ડેપ્યુટી સીએમ પદની શરતે વિજયની સરકારમાં જોડાવા તલપાપડ

ચેન્નઈ: તામિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલાગા વેત્રી કઝગમ (ટીવીકે) ૨૩૪માંથી ૧૦૮ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસે પોતાના જૂના સાથી ડીએમકે સાથે છેડો ફાડીને ટીવીકેને સત્તાવાર સમર્થન આપ્યું છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિજયને સત્તા પર આવતો રોકવા માટે કટ્ટર હરીફો ડીએમકે અને અન્નાદ્રમુક (એઆઈએડીએમકે) હાથ મિલાવે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે અન્નાદ્રમુકમાં જ વિજયને સમર્થન આપવા મુદ્દે બે ફાંટા પડી ગયા છે અને ડીએમકે-અન્નાદ્રમુક ગઠબંધનની વાત હાલમાં વાસ્તવિક જણાતી નથી
ધ હિન્દુ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ નાઉ, ઇન્ડિયન એક્સપ્રેસ અને એનડીટીવી સહિતના અગ્રણી સમાચાર માધ્યમો તથા એક્સ (ટ્વિટર) અને અન્ય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૬ની તામિલનાડુ વિધાનસભા ચૂંટણીએ રાજ્યના રાજકીય સમીકરણોમાં જબરદસ્ત ઉથલપાથલ મચાવી છે.
વિજયની માત્ર બે વર્ષ જૂની પાર્ટી 'ટીવીકે' ૨૩૪ વિધાનસભા બેઠકોમાંથી ૧૦૮ બેઠકો પર વિજય મેળવીને દ્રવિડિયન રાજકારણમાં નવો ઇતિહાસ રચી ચૂકી છે. સરકાર બનાવવા માટે ૧૧૮ના જાદુઈ આંકડાની જરૂર છે, એટલે કે કોંગ્રેસના સાth સાથે ટીવીકે બહુમતીથી માત્ર ૬ બેઠકો દૂર છે. સત્તાધારી ડીએમકે પાર્ટીને આ ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે.
દરમિયાન કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે વિજયને રોકવા ડીએમકે અને અન્નાદ્રમુક વચ્ચે ગઠબંધનની ચર્ચા છે. જોકે, અન્ય તમામ ઓથેન્ટિક રાષ્ટ્રીય મીડિયાના અહેવાલો પ્રમાણે આ વાત અફવા છે. વાસ્તવિક સ્થિતિ એ છે કે ૪૦થી વધુ બેઠકો જીતનાર અન્નાદ્રમુક હાલમાં આંતરિક વિખવાદનો સામનો કરી રહી છે. પાર્ટીના વડા ઇડપ્પડી કે. પલાનીસ્વામી (ઈપીએસ) ભાજપના દબાણનેકારણેણે ટીવીકેને સમર્થન આપવા અંગે અચકાઈ રહ્યા છે, જ્યારે સી. વી. શનમુગમ અને એસ. પી. વેલુમણી જેવા વરિષ્ઠ નેતાઓના નેતૃત્વમાં આશરે ૩૦ જેટલા ધારાસભ્યો ડેપ્યુટી સીએમ પદની શરતે વિજયની સરકારમાં જોડાવા દબાણ કરી રહ્યા છે.
સત્તાવાર અહેવાલો મુજબ, કોંગ્રેસ પાર્ટીએ ડીએમકેનો સાથ છોડી દીધો છે અને 'બિનસાંપ્રદાયિક' સરકાર બનાવવાના નામે સત્તાવાર રીતે ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ડીએમકેના પ્રવક્તાઓએ કોંગ્રેસના આ પગલાની આકરી ઝાટકણી કાઢીને તેમને 'પીઠમાં ખંજર ભોંકનાર' ગણાવ્યા છે.
કોંગ્રેસનું સમર્થન મળ્યા બાદ ટીવીકેએ અન્નાદ્રમુક સાથેની વાતચીત પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે. તામિલનાડુનું રાજકારણ ખરેખર એક હાઈ-વોલ્ટેજ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું બની ગયું છે, જેમાં ગમે ત્યારે નવા વળાંકો આવી રહ્યા છે.
આ બધા વચ્ચે વિજયની પાર્ટીને ગવર્નરે બહુમતી પુરવાર કરવા કહ્યું છે જેના પગલે ભારે હલચલ મચી ગઈ છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
