<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ગૂગલમાં છટણીની અફવા વચ્ચે કંપનીએ આપી સત્તાવાર પ્રતિક્રિયા : ભારતમાં કોઈ મોટી છટણી નહીં :માત્ર 30 જેટલા પદો પર અસર પડી

ગૂગલે છટણીની તમામ અટકળો અને દાવાઓને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટપણે નકારી કાઢ્યા :કંપનીએ સ્પષ્ટતા કરી કે ભારતમાં કોઈ મોટી છટણી કરવામાં આવી નથી, પરંતુ ગૂગલ ક્લાઉડમાં એક નાના સંગઠનાત્મક ફેરફાર કરાયો છે

નવી દિલ્હી :છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ટેક જાયન્ટ ગૂગલ ભારતમાં પોતાના કર્મચારીઓની મોટા પાયે છટણી કરી રહ્યું છે. આ પ્રકારના અહેવાલો અને પોસ્ટ્સ વાયરલ થતાં ભારતીય આઈટી અને ટેક સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે ગભરાટ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો હતો.

   જોકે, હવે ગૂગલે આ તમામ અટકળો અને દાવાઓને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં કોઈ મોટી છટણી કરવામાં આવી નથી, પરંતુ ગૂગલ ક્લાઉડમાં કરવામાં આવેલા એક નાના સંગઠનાત્મક ફેરફારને કારણે માત્ર આશરે 30 જેટલા પદો પર તેની અસર પડી છે. 

આ સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પરથી થઈ હતી. કેટલાક યુઝર્સે કોઈ પણ સત્તાવાર પુષ્ટિ વિના એવા દાવા કરવાનું શરૂ કર્યું હતું કે ગૂગલના ભારતીય કર્મચારીઓમાં ભારે ફફડાટ છે અને તેમને છટણીની નોટિસ મળી રહી છે. આ દરમિયાન એક યુઝરે X પર પોસ્ટ કરીને પૂછ્યું હતું કે ગૂગલ ઇન્ડિયામાં ખરેખર શું ચાલી રહ્યું છે, કારણ કે ત્યાં મોટા પાયે છટણી થઈ હોવાના અહેવાલો છે.

આ અફવાઓ વધુ ફેલાય તે પહેલાં જ, X પર સત્તાવાર રીતે વેરિફાઈડ ‘ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા’ ના હેન્ડલ પરથી તરત જ જવાબ આપવામાં આવ્યો હતો. કંપનીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે ગત અઠવાડિયે ભારતમાં ગૂગલ ક્લાઉડના માળખામાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે કામકાજની પ્રાથમિકતાઓ બદલાતા આશરે 30 ભૂમિકાઓ (રોલ્સ) નાબૂદ કરવામાં આવી છે. આ સિવાય ભારતમાં મોટા પાયે છટણી થઈ હોવાની વાતોમાં કોઈ તથ્ય નથી.

ગૂગલની પેરેન્ટ કંપની ‘આલ્ફાબેટ’ની આંતરિક કામગીરી પર નજર કરીએ તો એક રસપ્રદ ચિત્ર સામે આવે છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં આલ્ફાબેટના કુલ કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. એટલે કે કંપની એકંદરે નવી ભરતીઓ પણ કરી રહી છે અને વિસ્તરણના માર્ગ પર છે. પરંતુ સાથે જ, બદલાતા ટેકનોલોજીકલ સમય સાથે તાલ મિલાવવા માટે કંપની પોતાના સંસાધનોને વધુ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સ અને વિભાગો તરફ વાળી રહી છે.

આ જ રણનીતિના ભાગરૂપે, ગૂગલે પોતાની ‘વોલન્ટરી બાયઆઉટ’ (સ્વૈચ્છિક રીતે નોકરી છોડવા માટેનું આર્થિક પેકેજ) પહેલનો વ્યાપ પણ વધાર્યો છે. કંપનીએ અગાઉ કરતાં વધુ દેશોમાં પોતાના કર્મચારીઓને આ સ્વૈચ્છિક બાયઆઉટની ઓફર આપી છે, જેથી જે કર્મચારીઓ કંપનીના નવા લક્ષ્‍યો સાથે આગળ વધવા ન માંગતા હોય, તેઓ સન્માનજનક પેકેજ સાથે અલગ થઈ શકે.

(1:10 PM IST)