<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

બ્રિટનમાં આકરા ઉનાળાના પ્રકોપ વચ્ચે ચોથા હીટ વેવનું મોટું સંકટ : ઇંગ્લેન્ડ અને વેલ્સના ૧૭ વિસ્તારોમાં પારો ૩૪ ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગની ચેતવણી

ચાલુ સપ્તાહના અંતે તાપમાન ઘટતાં ત્રીજા મોજામાંથી થોડી રાહત મળશે પરંતુ આગામી ૨૩ અને ૨૪ જુલાઈથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થતાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઇંગ્લેન્ડમાં તાપમાન ફરી ૩૦ ડીગ્રીની સપાટી વટાવશે

લંડન: બ્રિટનમાં હાલમાં આકરા ઉનાળાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન કચેરી અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓ અનુસાર, ઇંગ્લેન્ડ અને વેલ્સના રહીશોએ ટૂંક સમયમાં જ વર્ષ ૨૦૨૬ના ગરમીના ચોથા મોજાનો એટલે કે ચોથા હીટ વેવનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, દેશના ૧૭ જેટલા જુદા-જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ઉછળીને ૩૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે ઉનાળાની સીઝનનું આકરૂં તાપમાન સાબિત થશે.

હાલમાં ત્રીજા મોજાની અસર, સપ્તાહના અંતે પારો ગગડશે:

વિવિધ અહેવાલોમાંથી મળતી વિગતો અનુસાર, બ્રિટન હાલના તબક્કે ગરમીના ત્રીજા મોજામાંથી પસાર થઈ રહ્યું છે. દેશના દક્ષિણ ભાગમાં આવેલા વિસ્તારોમાં સપ્તાહના અંત સુધી મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની પ્રબળ સંભાવનાઓ જોવામાં આવી રહી છે. જો કે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ શનિ-રવિના દિવસો દરમિયાન લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. રવિવારના રોજ દક્ષિણના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘટીને ૨૬ ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તરના વિસ્તારોમાં ઘટીને ૨૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. તાપમાનમાં નોંધાનારા આ ઘટાડાની સાથે જ વર્તમાન ગરમીના ત્રીજા મોજાનો સત્તાવાર રીતે અંત આવી જશે.

રાહત લાંબો સમય નહીં ટકે, તાજેતરના હવામાન મોડલમાં મોટો ખુલાસો:

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમીમાંથી મળનારી આ રાહત બહુ લાંબો સમય સુધી ટકશે નહીં. તાજેતરના અત્યાધુનિક હવામાન મોડલ જેવા કે જીએફએસ (GFS) અને ડબલ્યુએક્સચાર્ટ્સ (WXCharts) ના ગ્રાફ દર્શાવે છે કે તાપમાનને ફરીથી ૩૦ ડિગ્રી સેલ્સિયસની ઉપર પહોંચવામાં વધુ સમય નહીં લાગે. આગામી ગુરુવાર સુધીમાં પૂર્વ ઇંગ્લેન્ડ, પશ્ચિમ ઇંગ્લેન્ડ અને દક્ષિણ ઇંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ફરી એકવાર ૩૦ થી ૩૧ ડિગ્રી સેલ્સિયસની જોખમી સપાટીને વટાવી જશે.

આગામી ૨૩ અને ૨૪ જુલાઈના રોજ સામે આવેલા હવામાન નકશાઓની સ્થિતિ સ્પષ્ટ કરે છે કે દેશમાં તાપમાનમાં ફરી એકવાર ખૂબ જ મોટો અને અચાનક ઉછાળો જોવા મળશે. આ આંકડાકીય બદલાવ દેશમાં સત્તાવાર રીતે ગરમીના ચોથા મોજાની - ચોથા હીટ વેવની શરૂઆત કરી દેશે, જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે.

(10:24 PM IST)