તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
ઇરાન સામે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકી સંરક્ષણ મંત્રાલયમાં ભારે ખળભળાટ: શસ્ત્રોની અછત અને ગુપ્ત વ્યૂહાત્મક માહિતી માધ્યમોમાં લીક થતાં પેન્ટાગોને જોઈન્ટ સ્ટાફના ૫૦ થી વધુ ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને નાગરિક કર્મચારીઓનો પોલીગ્રાફી લાઈ-ડીટેક્ટર ટેસ્ટ હાથ ધર્યો
વોશિંગ્ટનસ્થિત સંરક્ષણ મથકેથી સંવેદનશીલ યુદ્ધ ડેટા, પેટ્રિઅટ મિસાઈલ ઈન્ટરસેપ્ટર્સ અને લાંબા અંતરના શસ્ત્રોના ખાલી થઈ રહેલા સ્ટોકની વિગતો પત્રકારો સુધી પહોંચાડીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરનારા 'વિભીષણ'ને શોધી કાઢવા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની આક્રમક તપાસ; કડક કેદની સુનિશ્ચિત ચેતવણી વચ્ચે ગુપ્ત કમ્પ્યુટર નેટવર્કમાંથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની પહોંચ પણ મર્યાદિત કરી દેવાઈ

વોશિંગ્ટન, ૦૫ સપ્ટેમ્બર : મધ્ય પૂર્વમાં ઇરાન સામે ચાલી રહેલા તંગદિલીભર્યા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકાના સંરક્ષણ વડા મથક 'પેન્ટાગોન'માં ઇતિહાસની સૌથી મોટી ગુપ્ત માહિતી લીક થવાની ઘટના સામે આવતાં સમગ્ર ટ્રમ્પ પ્રશાસનમાં ભારે ધમાસાણ મચી ગયું છે. યુએસ સશસ્ત્ર દળોના શસ્ત્રાગારમાં અત્યાધુનિક પેટ્રિઅટ મિસાઈલ ઈન્ટરસેપ્ટર્સ અને લાંબા અંતરના આક્રમક શસ્ત્રોનો જથ્થો ખતરનાક સ્તરે ઘટી રહ્યો હોવાની અત્યંત ગુપ્ત વિગતો અગ્રણી આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પ્રગટ થઈ જતાં વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોનની ઊંઘ ઉડી ગઈ છે. આ સંતપ્ત પરિસ્થિતિને પગલે યુએસ ગવર્નમેન્ટ ઇન્વેસ્ટિગેટર્સે સંરક્ષણ દળોની ટોચની સલાહકાર સંસ્થા 'જોઈન્ટ સ્ટાફ'ના આશરે ૫૦ જેટલા ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને વરિષ્ઠ નાગરિક કર્મચારીઓને લાઈ-ડીટેક્ટર (પોલીગ્રાફી) ટેસ્ટ હેઠળ સાંકળીને અભૂતપૂર્વ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ, ઇરાન સાથેના લાંબા ખેંચાઈ રહેલા યુદ્ધના કારણે અમેરિકી સૈન્યના મહત્વપૂર્ણ શસ્ત્રાગાર પર પડી રહેલી ગંભીર અસર અંગેના આંકડા મીડિયામાં વાયરલ થયા હતા. આ ડેટા અત્યંત મર્યાદિત અને સુરક્ષિત વર્તુળ પૂરતો જ મર્યાદિત હોવાથી પેન્ટાગોનની અંદરથી જ કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારી પત્રકારોને આ ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યો હોવાની બળવત્તર આશંકા જાગી છે. કડક સુરક્ષા ધરાવતા અમેરિકી સૈન્યના ઇતિહાસમાં ઉચ્ચ સ્તરના કમાન્ડરો અને અધિકારીઓ પર આ પ્રકારે સમૂહમાં પોલીગ્રાફી ટેસ્ટ લાદવાની આ પ્રથમ ઘટના માનવામાં આવે છે. આ તપાસ દરમિયાન અધિકારીઓને મુખ્યત્વે એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે શું તેમણે મીડિયા સમક્ષ આઈઆરએન (ઇરાન) યુદ્ધ અંગે અથવા સૈન્ય સ્ટોકની અછત અંગે કોઈ ક્લાસિફાઈડ માહિતી જાહેર કરી છે કે કેમ.
આ વિવાદ વધુ ઘેરો બનતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને માધ્યમોમાં પ્રકાશિત અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું છે કે અમેરિકી સૈન્ય પાસે શસ્ત્રોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે આ ગુપ્ત વિગતો લીક કરવાના કૃત્યને રાષ્ટ્રદ્રોહ સમાન ગણાવીને ચેતવણી આપી હતી કે દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરનારા દોષિતોને શોધી કાઢીને લાંબા સમયની જેલની સજા ફટકારવામાં આવશે. આ સાથે જ તપાસ એજન્સીઓ એ શંકાની પણ ચકાસણી કરી રહી છે કે શું કોઈ સરકારી અધિકારી વિદેશી જાસૂસ તરીકે કામ કરી રહ્યો છે કે કેમ.
લીકની આ ઘટના બાદ પેન્ટાગોન દ્વારા આંતરિક ડેટા સુરક્ષા પણ અત્યંત કડક બનાવી દેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે પોતાના અતિ સુરક્ષિત 'સિપ્રનેટ' (SIPRNet) સિસ્ટમમાંથી સિક્રેટ ગણાતા સેક્રેટરી ઓફ ડિફેન્સ ઓર્ડર્સ બુક (SDOB) સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોનો એક્સેસ મર્યાદિત કરી દીધો છે. નોંધનીય છે કે આ દસ્તાવેજોમાં અમેરિકી યુદ્ધ જહાજો, મિલિટરી યુનિટ્સ અને શસ્ત્ર પ્રણાલીની ચોક્કસ સ્થિતિ અને ઉપલબ્ધતાનો ઉલ્લેખ હોય છે, જેમાં કેટલાક વરિષ્ઠ જનરલોએ ઇરાન સામેના લાંબા યુદ્ધને અસસ્ટેનેબલ (અનિયંત્રિત) ગણાવીને પોતાની અસંમતિ દર્શાવી હોવાના પણ અહેવાલો વહેતા થયા હતા.
બીજી તરફ, પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે આંતરિક તપાસ કે કર્મચારીઓની વ્યક્તિગત બાબતો પર સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ક્લાસિફાઈડ માહિતીનું લીકેજ એ અત્યંત ગંભીર ગુનો છે. યુનાઈટેડ સ્ટેટ્સની સુરક્ષા અને વિશ્વભરમાં તૈનાત અમેરિકી સૈનિકોના રક્ષણ માટે સંવેદનશીલ વિગતોની ગોપનીયતા જાળવવી અનિવાર્ય છે અને મંત્રાલય આવી દરેક ઘટનાઓની કડક તપાસ હાથ ધરે છે. પૂર્વ સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ, માહિતીની પહોંચ પર મુકાયેલા આ નવા નિયંત્રણોના કારણે કટોકટીના સમયે સૈન્ય આયોજન અને નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી પડી જવાની શક્યતાઓ પણ ઊભી થઈ છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
