તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
અયોધ્યામાં રામ મંદિરમાં નાણાકીય ગેરરીતિ મામલે તપાસ વચ્ચે મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય :40 કર્મચારીઓને દાન ગણતરીમાંથી હટાવાયા
નવા કર્મચારીઓ અને કાઉન્ટરોની નિમણૂક: દાનપેટીઓમાં આવતી રોકડ રકમ તેમજ દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ગણતરી પ્રક્રિયા પર હવે વિશેષ નજર

અયોધ્યાના રામ મંદિર પ્રસાદ અને દાન ગેરરીતિ મામલે તપાસ વચ્ચે મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. દાનની ગણતરીમાં સામેલ આશરે 40 કર્મચારીઓને તેમની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા કર્મચારીઓ અને કાઉન્ટરોની નિમણૂક કરવામાં આવી છે. દાનપેટીઓમાં આવતી રોકડ રકમ તેમજ દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ગણતરી પ્રક્રિયા પર હવે વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) છેલ્લા છ દિવસથી અયોધ્યામાં સઘન તપાસ કરી રહી હતી. તપાસ પૂર્ણ કર્યા બાદ ટીમ લખનૌ પરત ફરી છે અને આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાનો પ્રાથમિક અહેવાલ સોંપે તેવી અપેક્ષા છે. આ અહેવાલના આધારે સરકાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
SITએ દાન રેકોર્ડ, CCTV ફૂટેજ, રોકડ ગણતરીની પ્રક્રિયા તેમજ દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સંબંધિત દાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી છે. તપાસ દરમિયાન ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો, પૂજારીઓ, બેંક અધિકારીઓ અને રોકડ સંભાળતા કર્મચારીઓ સહિત 100થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસને અસર ન થાય તે માટે SITએ પૂછપરછ હેઠળ રહેલા લોકોને આગામી આદેશ સુધી અયોધ્યા ન છોડવાની સૂચના આપી છે. ટ્રસ્ટના અધિકારીઓ અને તપાસ સાથે જોડાયેલા અન્ય લોકોની પૂછપરછના તમામ રેકોર્ડ ડિજિટલ રીતે જાળવવામાં આવી રહ્યા છે. તપાસ દરમિયાન દરેક તબક્કાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
તપાસનો વ્યાપ માત્ર દાનની સંભવિત ઉચાપત પૂરતો મર્યાદિત નથી. SIT મંદિર માટે કરવામાં આવેલી વિવિધ ખરીદીઓ, બાંધકામ સામગ્રીની ખરીદી અને અન્ય નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે. આ કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
