તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
નેપાળમાં ભયાનક કુદરતી આફત અને તબાહી વચ્ચે પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પીડિતોના પુનઃવસન માટે ૫૧ લાખ રૂપિયાની મોટી રાહત સહાયની જાહેરાત કરાઈ : જુઓ વિડિયો
"સેવા એ જ સાચી સાધના છે, સાંદીપનિ પરિવાર હંમેશા દુઃખીઓની પડખે રહ્યો છે અને આજે પણ અમે નેપાળના લોકોની સાથે છીએ" : ભૂકંપ, પૂર અને કોરોના જેવી આફતોમાં અગાઉ પણ કરોડોની સહાય આપનાર ટ્રસ્ટ દ્વારા જરૂરી રાહત સામગ્રી સાથે રકમ મોકલાશે

વીનું જોશી દ્વારા, જૂનાગઢ: પાડોશી દેશ નેપાળમાં તાજેતરમાં આવેલી ભયાનક કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં સેંકડો લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો બેઘર બન્યા છે. આ દુઃખદ પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વમાંથી સહાયનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
૫૧ લાખ રૂપિયાની રાહત સહાયની જાહેરાત
સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા અને વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા નેપાળના પીડિતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે સાંદીપનિ વિદ્યા નિકેતન ટ્રસ્ટ વતી નેપાળના અસરગ્રસ્તોની તાત્કાલિક રાહત અને પુનઃવસન માટે રૂપિયા ૫૧ લાખની સહાય અર્પણ કરવાની જાહેરાત કરી છે.
"સેવા એ જ સાચી સાધના" - ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો સંદેશ:
આ અંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, "નેપાળમાં આપણા ભાઈઓ-બહેનો ભારે મુશ્કેલીમાં છે. આવા સમયે તેમની મદદ કરવી એ આપણો ધર્મ છે. સેવા એ જ સાચી સાધના છે. સાંદીપનિ પરિવાર હંમેશા દુઃખીઓની પડખે ઉભો રહ્યો છે અને આજે પણ અમે નેપાળના લોકોની સાથે છીએ."
અગાઉ પણ વિવિધ આપત્તિઓમાં કરોડોની મદદ:
આ પહેલા પણ સાંદીપનિ વિદ્યા નિકેતન ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ભૂકંપ, કાશ્મીરના પૂર, કેરળની આફત, કોરોના મહામારી અને તાજેતરમાં ગુજરાતના પૂરગ્રસ્તો માટે કરોડો રૂપિયાની સહાય કરવામાં આવી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી દેશ-વિદેશમાં વસતા હજારો હરિભક્તો પણ આ સેવા યજ્ઞમાં જોડાયા છે. આ જાહેરાત બાદ સાંદીપનિ સાથે જોડાયેલા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં આ સહાયની રકમ જરૂરી રાહત સામગ્રી સાથે નેપાળ મોકલવામાં આવશે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
