News of Monday, 11th May 2026
વૈશ્વિક કટોકટી અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશવાસીઓને ફરી ખાસ અપીલ : પેટ્રોલ-ડીઝલ અને ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવા તેમજ ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકવા અનુરોધ
વડોદરામાં સરદારધામના કાર્યક્રમમાં વડાપ્રધાનના મહત્વના સૂચનો : વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ ટાળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લગ્ન કરવા પાટીદારોને આહવાન : પંકજભાઈ પટેલ દ્વારા 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત

વડોદરા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા ખાતે સરદારધામ છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગે દેશની જનતાને સંબોધતા ૨૪ કલાકમાં બીજી વખત વૈશ્વિક સંકટો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઇરાક યુદ્ધની સંભવિત અસરોને જોતા તેમણે નાગરિકોને કરકસરભર્યું જીવન જીવવા અને સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે.
પેટ્રોલ-ડીઝલ અને ખાદ્ય તેલના વપરાશમાં કાપ મૂકવા સૂચન
વડાપ્રધાને જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ હવે વૈશ્વિક આર્થિક પડકારો અને યુદ્ધની પરિસ્થિતિ ભારતને પણ અસર કરી રહી છે. આ સંકટનો સામનો કરવા માટે તેમણે નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બને તેટલો ઓછો કરવા જણાવ્યું છે. વ્યક્તિગત વાહનોને બદલે મેટ્રો ટ્રેન, ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા તેમજ કાર પૂલિંગને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. આ સાથે જ તેમણે રસોઈમાં વપરાતા ખાદ્ય તેલનો ઉપયોગ પણ કરકસરપૂર્વક કરવા જણાવ્યું છે.
ટેકનોલોજી અને ઓનલાઇન શિક્ષણ પર ભાર
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પરિવહનનો ખર્ચ અને ભીડ ઘટાડવા માટે વડાપ્રધાને સ્કૂલોમાં ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા કરવા તેમજ સરકારી અને ખાનગી કચેરીઓમાં વર્ચ્યુઅલ મીટિંગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું છે. તેમણે ઉમેર્યું કે જો આપણે સાથે મળીને કોરોના સામે લડી શકતા હોઈએ, તો આ દાયકાના સૌથી મોટા સંકટનો સામનો પણ મક્કમતાથી કરી શકીશું.
વિદેશમાં લગ્ન કરવાને બદલે SOU પસંદ કરવા આહવાન
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને પાટીદાર સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે વિદેશોમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાને બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જેવા સ્થળો પસંદ કરવા જોઈએ. ત્યાં લગ્ન કરવાથી સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ પણ મળશે અને દેશનું નાણું દેશમાં જ રહેશે.
સરદારધામ યુનિવર્સિટીની ભેટ
આ પ્રસંગે પદ્મભૂષણ પંકજભાઈ પટેલ (ઝાયડ્સ) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ અમદાવાદ ખાતે રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ‘સરદારધામ યુનિવર્સિટી’નું નિર્માણ કરશે. આ યુનિવર્સિટી આવનારા સમયમાં યુવાનોના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસ માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
