<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે ભગવાન બુદ્ધના વિચારો જ શાંતિનો એકમાત્ર માર્ગ: ‘મન કી બાત’ ના ૧૩૩માં એપિસોડમાં પીએમ મોદીએ રાષ્ટ્રજોગ આપ્યો પ્રેરણાદાયી સંદેશ

કચ્છના રણની પ્રાકૃતિક સુંદરતાથી લઈને પૂર્વોત્તરની ‘અષ્ટલક્ષ્મી’ ની પ્રતિભા સુધીના વિવિધ વિષયો પર પ્રધાનમંત્રીએ કરી ચર્ચા: પવન ઉર્જા અને પરમાણુ વિજ્ઞાન ક્ષેત્રે ભારતની હરણફાળને રાષ્ટ્ર નિર્માણનું મહત્વનું પાસું ગણાવતા પીએમ મોદીએ દેશવાસીઓને બુદ્ધ પૂર્ણિમાની અગાઉથી પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૩૩માં એપિસોડ દ્વારા દેશ અને દુનિયાના શ્રોતાઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે વર્તમાન વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગૌતમ બુદ્ધના અહિંસા અને શાંતિના ઉપદેશો આજે વધુ સુસંગત બન્યા છે. પીએમ મોદીએ ખાસ નોંધ્યું હતું કે ભગવાન બુદ્ધના વિચારો માત્ર ભારત પૂરતા મર્યાદિત નથી, પરંતુ દક્ષિણ અમેરિકાના ચિલી જેવા દેશોમાં પણ તેમના શિક્ષણનો પ્રસાર થઈ રહ્યો છે, જે ભારતની ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવનાને મજબૂત કરે છે.

ગુજરાતના કચ્છના રણની વિશેષતા વર્ણવતા પ્રધાનમંત્રીએ ફ્લેમિંગો સીટી અને ત્યાં આવતા લાખો પક્ષીઓને પર્યાવરણ સંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે પૂર્વોત્તર ભારતના વાંસ ઉદ્યોગમાં આવેલી ક્રાંતિની પ્રશંસા કરતા કહ્યું કે, જે ક્ષેત્ર અગાઉ બોજ ગણાતું હતું તે આજે રોજગાર અને નવીનતાનું માધ્યમ બન્યું છે, જેનો સૌથી વધુ લાભ આપણી માતાઓ અને બહેનોને મળી રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમ અને પવન ઉર્જામાં હાંસલ કરેલી સિદ્ધિઓને તેમણે રાષ્ટ્રીય પ્રગતિનો આધારસ્તંભ ગણાવ્યો હતો.

આ કાર્યક્રમ ૩૨ ભાષાઓ અને ૨૯ બોલીઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેનો લાભ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કરોડો નાગરિકોએ લીધો હતો. પીએમ મોદીએ બીટિંગ રીટ્રીટ સમારોહમાં ભારતીય સંગીતના વધતા પ્રભાવ અને પ્રજાસત્તાક પર્વની યાદોને તાજી કરી હતી. અંતમાં તેમણે આગામી બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસર પર સૌને અભિનંદન પાઠવતા સ્વ-વિજયને સૌથી મોટી જીત ગણાવી દેશને વિકાસના પંથે આગળ વધવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા તેમણે ફરી એકવાર સ્થાનિક સંસ્કૃતિ અને આધુનિક પ્રગતિ વચ્ચેના સંતુલનને ઉજાગર કર્યું છે.

(2:03 PM IST)