<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

હોર્મુઝની ‘જ્વાળા’ વચ્ચે દરિયામાં LNG ટેન્કરોનું ઘોડાપૂર: ભારત સહિત વિશ્વના દેશોમાં ગેસ સપ્લાય માટે જંગ

ઈરાન-અમેરિકા યુદ્ધના લીધે હોર્મુઝની નાકાબંધી છતાં દક્ષિણ કોરિયા અને ચીનના શિપયાર્ડ્સમાં $260 મિલિયનના નવા જહાજો માટે બુકિંગનો વરસાદ: જૂના જહાજો નિવૃત્ત થતા નવા હાઈ-ટેક ટેન્કરોની માંગમાં જંગી ઉછાળો

મુંબઈ:  ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધે વૈશ્વિક તેલ અને ગેસના વેપાર માટે ‘લાઈફલાઈન’ ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીને યુદ્ધના મેદાનમાં ફેરવી નાખી છે. ગલ્ફ દેશોમાંથી થતો પુરવઠો ખોરવાતા એશિયન દેશો હવે એટલાન્ટિક ક્ષેત્ર તરફ નજર દોડાવી રહ્યા છે, જેના કારણે દરિયાઈ મુસાફરીનું અંતર વધ્યું છે. આ ભૌગોલિક તણાવ વચ્ચે પણ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કેરિયર જહાજોની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયા અને ચીનના શિપયાર્ડ્સ અત્યારે ઓવરબુક છે, કારણ કે માત્ર 2024ના પ્રથમ ક્વાર્ટરમાં જ 35 નવા અત્યાધુનિક જહાજોના ઓર્ડર અપાઈ ચૂક્યા છે, જે ગત આખા વર્ષના આંકડાને ટક્કર આપી રહ્યા છે.

પરંપરાગત ઈંધણના બદલે હવે દુનિયા ક્લીન એનર્જી તરફ વળી રહી છે, ત્યારે અમેરિકા, કેનેડા અને આર્જેન્ટિના જેવા દેશોમાં LNG ઉત્પાદન વધવા જઈ રહ્યું છે. એક અંદાજ મુજબ, આગામી ત્રણ વર્ષમાં એકલું અમેરિકા બજારમાં 120 મિલિયન ટન નવો ગેસ ઠાલવશે. આ ગેસના પરિવહન માટે રશિયા-યુક્રેન યુદ્ધ પછી બદલાયેલા સમીકરણો મુજબ વધુ જહાજોની જરૂર પડી રહી છે. એક જહાજ તૈયાર કરવામાં અંદાજે $260 મિલિયન (આશરે ₹2100 કરોડ)નો ખર્ચ થાય છે અને ત્રણ વર્ષનો સમય લાગે છે, છતાં કંપનીઓ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા અત્યારથી જ રોકાણ કરી રહી છે.

આ રેસમાં કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો પણ પાછળ નથી. કતાર પોતાની ક્ષમતા વધારવા માટે આગામી થોડા વર્ષોમાં 80 જેટલા નવા જહાજો કાફલામાં ઉમેરવા જઈ રહ્યું છે. બીજી તરફ, ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના નવા પર્યાવરણીય નિયમોને કારણે જૂના, વધુ પ્રદૂષણ ફેલાવતા સ્ટીમ-ટર્બાઇન જહાજોને ભંગારમાં કાઢવાની પ્રક્રિયા તેજ બની છે. આના સ્થાને હવે ‘ડ્યુઅલ-ફ્યુઅલ’ એન્જિન ધરાવતા હાઈ-ટેક ટેન્કરો લઈ રહ્યા છે, જે ભવિષ્યમાં ગેસ સપ્લાય ચેઈનને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવશે.

(6:05 PM IST)