તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 28th September 2026
ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ ૨૦૨૮ની તૈયારીઓ વચ્ચે હાઇકોર્ટનો મોટો નિર્ણય: 'શાહી મસ્જિદ'નો દબાણવાળો હિસ્સો સમુદાયે સ્વેચ્છાએ હટાવવાનું શરૂ કર્યું!
રોડ પહોળા કરવાના વિવાદમાં હાઇકોર્ટે મસ્જિદ કમિટીની અરજી ફગાવી: પથ્થરમારાની છૂટક ઘટના બાદ કલેક્ટર અને કાઝીની શાંતિ જાળવવા અપીલ, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ.

ઉજ્જૈન : મધ્ય પ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં વર્ષ ૨૦૨૮માં યોજાનારા ભવ્ય 'સિંહસ્થ કુંભ'ની તૈયારીઓના ભાગરૂપે રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન માસ્ટર પ્લાન વચ્ચે આવતા બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા તેજ બની છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છત્રી ચોક સ્થિત ઐતિહાસિક 'શાહી મસ્જિદ'ના દબાણવાળા ભાગને હટાવવા માટે વહીવટીતંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. શાહી મસ્જિદ કમિટી દ્વારા આ નિર્ણય સામે ઈન્દોર હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરીને સ્ટે વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે.
હાઇકોર્ટના ચુકાદા બાદ દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરાતાં શરૂઆતમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સ્થિતિ થાળે પડ્યા બાદ ઉજ્જૈનના કલેક્ટર રોશન સિંહે સ્પષ્ટતા કરી હતી કે, કુંભમાં આવનારા કરોડો શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ કામગીરી જરૂરી છે અને તમામ ધાર્મિક સમુદાયો આમાં સ્વેચ્છાએ સહયોગ આપી રહ્યા છે. આ જ પહેલના ભાગરૂપે હવે મુસ્લિમ સમુદાય દ્વારા પોતે જ સ્વેચ્છાએ મસ્જિદનો અમુક હિસ્સો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, ઉજ્જૈનના શહેર કાઝી ખલી કુરે રહેમાને પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાત્રે જ વહીવટીતંત્ર સાથે પરસ્પર સમજૂતી દ્વારા મામલો ઉકેલી લેવામાં આવ્યો છે. કલેક્ટર અને કાઝી બંનેએ નાગરિકોને કોઈ પણ પ્રકારની ભ્રામક અફવાઓ પર ધ્યાન ન આપવા અને વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા ખાસ અપીલ કરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
