તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
પાકિસ્તાનની સૌથી મોંઘી હોટલમાં રોકાયો અમેરિકાનો યુટયુબરઃ રૂમની હાલત જોઈને ઉડી ગયા હોશ
ક્રિસે પોતાના અનુભવનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં જ તે વાયરલઃ અનુભવ ખૂબ જ ખરાબ રહ્યોઃ રૂમમાં ઘૂસતાં જ મૂડ ઓફ : અહીં રોકાવા માટે ક્રિસે ૩૦૦ ડોલર એટલે કે, ભારતીય રૂપિયામાં ૨૮ હજાર અને પાકિસ્તાની રૂપિયામાં ૮૩ હજારથી વધુ ચૂકવ્યા હતા

ઇસ્લામાબાદ તા.૨૪: દુનિયામાં જ્યારે પણ કોઈ લક્ઝરી હોટલમાં રોકાવાની વાત આવે છે, ત્યારે લોકોને ત્યાં સરસ મજાના ભવ્ય રૂમ, સ્વચ્છતા, સ્વાદિષ્ટ ભોજન અને શાનદાર મહેમાનગતિની અપેક્ષા હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ભવ્ય ઇમારત અને ફાઇવ સ્ટાર હોટલનું નામ જોઈને ત્યાં પહોંચે અને અંદરનો અનુભવ તેની બધી અપેક્ષાઓ પર પાણી ફેરવી દે તો? આવું જ કંઈક ફેમસ અમેરિકન યુટ્યુબર ક્રિસ મિક્સ લુઇસ સાથે થયું. ક્રિસે ઇસ્લામાબાદની જાણીતી સેરેના હોટલમાં રોકાવાનું નક્કી કર્યું હતું. આ હોટલ પાકિસ્તાનની અગ્રણી લક્ઝરી હોટલોમાં ગણાય છે. અહીં રોકાવા માટે ક્રિસે ૩૦૦ ડોલર એટલે કે, ભારતીય રૂપિયામાં ૨૮ હજાર અને પાકિસ્તાની રૂપિયામાં ૮૩ હજારથી વધુ ચૂકવ્યા હતા. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેને જે અનુભવ થયો તેનાથી તે ખૂબ જ નિરાશ થયો હતો. ક્રિસે આ અંગે એક યુટ્યુબ વીડિયો શેર કર્યો છે.
ક્રિસ જ્યારે સેરેના હોટલ પહોંચ્યો ત્યારે તેની ભવ્ય ઇમારત જોઈને તેને લાગ્યું હતું કે અહીં તેનું રોકાણ યાદગાર રહેશે. જોકે, હોટલના રિસેપ્શન પર પહોંચતાં જ તેનો અનુભવ અપેક્ષા મુજબ રહ્યો નહોતો. ક્રિસના જણાવ્યા અનુસાર, હોટેલમાં ઘૂસતાં જ તેને લગભગ ૨૦ મિનિટ સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન તેનો રૂમ ક્યારે તૈયાર થશે તેની સ્પષ્ટ માહિતી પણ અપાઈ નહોતી. ક્રિસે જણાવ્યું કે, હોટલના સ્ટાફને ખબર જ નહોતી કે, કોઈ રૂમ ખાલી છે કે નહીં. આટલી મોંઘી હોટલમાં આ રીતે રાહ જોવી તેને બિલકુલ પસંદ ન આવી. લગભગ અડધા કલાકની મુશ્કેલી બાદ આખરે તેને રૂમની ચાવી મળી હતી.
રૂમની ચાવી મળ્યા બાદ ક્રિસને લાગ્યું કે, રૂમ તો શાનદાર જ હશે. રૂમ દેખાવમાં સુંદર હતો અને તેની સજાવટમાં મુઘલ કાળની ઝલક જોવા મળતી હતી. પહેલી નજરે બધું બરાબર લાગ્યું, પરંતુ પછી હકીકત સામે આવી. ક્રિસના જણાવ્યા અનુસાર, રૂમમાં ઘૂસતાં જ તેના પગ પાણીથી ભીના થઈ ગયા હતા, કારણ કે ફલોર પર પાણી ફેલાયેલું હતું. ત્યાર બાદ બાથરૂમમાં જતાં બાથટબની અંદર તૂટેલા વાળ પડેલા જોવા મળ્યા હતા. રૂમની સફાઈમાં થયેલી આ બેદરકારીથી તે ખૂબ નિરાશ થયો.
સાંજના સમયે ક્રિસે હોટલના હાઇ-ટી બફેનો અનુભવ લેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે લગભગ ૩,૦૦૦ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હતા. બફેમાં ગોલગપ્પા અને સમોસા ચાટ સહિત વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. ભારતીય ઉપખંડની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડની વાનગીઓ જોઈને તેને સારા સ્વાદની અપેક્ષા હતી, પરંતુ ભોજન તેની અપેક્ષાઓ કરતાં તદ્દન ઉલ્ટું હતું. ક્રિસના જણાવ્યા મુજબ, ગોલગપ્પાની પૂરીઓ ભેજને કારણે નરમ પડી ગઈ હતી અને સમોસા ચાટ પણ ઠંડી થઈ ગઈ હતી. તેમણે ચા મંગાવી હતી, પરંતુ તેના માટે પણ લગભગ ૧૦ મિનિટ રાહ જોવી પડી હતી. ચા આવ્યા બાદ તેનો સ્વાદ પણ તેને ખાસ પસંદ આવ્યો નહોતો.
હોટલના રૂમ અને હાઇ-ટીના અનુભવથી નિરાશ થયા બાદ ક્રિસે રાત્રિભોજનમાં ચિકન કડાહી મંગાવી હતી. પાકિસ્તાનમાં ચિકન કડાહી મસાલા, સુગંધ અને સ્વાદ માટે જાણીતી છે. ખાસ કરીને લાહોર અને કરાચી જેવા શહેરોમાં મળતા પરંપરાગત ભોજનનાં વખાણ વારંવાર સાંભળવા મળે છે. તેથી ક્રિસને આશા હતી કે હોટલમાં પીરસવામાં આવતી ચિકન કડાહી પણ સ્વાદની લ્લષ્ટિએ શાનદાર હશે. જોકે, તેનો અનુભવ તેનાથી વિપરીત રહ્યો હતો. ચિકન કડાહીમાં તેમને એવો સ્વાદ અને મસાલાની સુગંધ અનુભવાઈ નહોતી, જેની તેને અપેક્ષા હતી. વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાની યુઝર્સ પણ આ હોટેલની ટીકા કરી રહ્યા છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
