તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
અમેરિકાના 'ગોલ્ડ કાર્ડ'ના સપનાના લીરેલીરા: ટ્રમ્પની વિઝા સ્કીમ સુપરફ્લોપ? ₹9 કરોડ આપવા છતાં અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિને મળ્યા વિઝા
વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકનો ચોંકાવનારો ઘટસ્ફોટ; ૧,૩૦૦ અરજીઓ વેચાઈ હોવાના દાવા વચ્ચે માત્ર એક જ નસીબદારને મળી મંજૂરી, ભારત-ચીનના અમીરોને આકર્ષવા ટ્રમ્પે ફેબ્રુઆરીમાં શરૂ કરી હતી યોજના

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મહત્વકાંક્ષી અને ચર્ચિત 'ગોલ્ડ કાર્ડ' વિઝા યોજના અત્યારે મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગે છે. 'અમેરિકા ફર્સ્ટ' એજન્ડા હેઠળ ભારત અને ચીન જેવા દેશોના અમીર ઉદ્યોગપતિઓ અને તેજસ્વી પ્રતિભાઓને અમેરિકામાં કાયમી વસવાટ આપવા માટે શરૂ કરાયેલી આ યોજનામાં અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિને વિઝા મળ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.
અમેરિકાના વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે સંસદીય સમિતિની સુનાવણી દરમિયાન આ આંકડો જાહેર કર્યો હતો. જોકે, તેમણે આશ્વાસન આપતા કહ્યું હતું કે અત્યારે સેંકડો અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. રસપ્રદ વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ સરકારે દાવો કર્યો હતો કે ₹૧૦,૮૦૦ કરોડની અંદાજે ૧,૩૦૦ અરજીઓ વેચાઈ ગઈ છે, પરંતુ વાસ્તવિકતામાં મંજૂરી મેળવનારની સંખ્યા માત્ર 'એક' જ છે.
શું છે આ ગોલ્ડ કાર્ડ અને તેની કિંમત?
ટ્રમ્પે ફેબ્રુઆરી ૨૦૨૫માં આ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. શરૂઆતમાં તેની કિંમત ૫ મિલિયન ડોલર રાખવામાં આવી હતી, પરંતુ પ્રતિસાદ ન મળતા સપ્ટેમ્બરમાં ઘટાડીને ૧ મિલિયન ડોલર (અંદાજે ₹૯ કરોડથી વધુ) કરવામાં આવી હતી. આ રકમ ચૂકવીને કોઈપણ વિદેશી વ્યક્તિ અમેરિકામાં અમર્યાદિત સમય માટે રહી શકે છે અને કામ કરી શકે છે. તેમને વોટિંગ અને પાસપોર્ટ સિવાયના તમામ અધિકારો અમેરિકન નાગરિક જેવા જ મળે છે.
ગ્રીન કાર્ડની જગ્યા લેવાની તૈયારી:
ટ્રમ્પ સરકાર આ ગોલ્ડ કાર્ડ દ્વારા હાલના EB-1 અને EB-2 વિઝા (ગ્રીન કાર્ડ શ્રેણી) ને બદલવાની યોજના બનાવી રહી છે. કંપનીઓ માટે 'કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ' પણ લોન્ચ કરાયું છે, જેમાં પ્રતિ કર્મચારી ૨ મિલિયન ડોલરની ફી રાખવામાં આવી છે. ટ્રમ્પનું માનવું છે કે આ રકમથી અમેરિકાનું દેવું ચૂકવવામાં અને ટેક્સ ઘટાડવામાં મદદ મળશે.
પ્લેટિનમ કાર્ડ પણ આવશે:
ગોલ્ડ કાર્ડ ઉપરાંત, ટ્રમ્પ ટૂંક સમયમાં 'પ્લેટિનમ કાર્ડ' પણ લોન્ચ કરવાના છે. જેની વિશેષતા એ હશે કે આ કાર્ડ ધારકોએ વિદેશમાં કમાયેલી આવક પર અમેરિકામાં કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જોકે, ભારત જેવા દેશો માટે ટ્રમ્પના બદલાતા તેવર ચિંતાનો વિષય છે. તાજેતરમાં જ ટ્રમ્પે ભારત અને ચીનને "નરકના ખાડા" કહેતી એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી, જેના કારણે આ વિઝા સ્કીમની સફળતા પર શંકાના વાદળો ઘેરાયા છે. હવે જોવાનું એ રહેશે કે કરોડો રૂપિયા ખર્ચવા છતાં અમેરિકાના આ 'ગોલ્ડ' સપનામાં ભારત અને ચીનના કેટલા લોકો રસ દાખવે છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
