<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમેરિકાના પ્રખ્યાત એસઆર-૭૧ બ્લેકબર્ડ જાસૂસી વિમાનનું ૨૭ વર્ષ બાદ ફરી આકાશમાં કમબેક? અતિ ઝડપી અને ઊંચાઈએ ઉડનાર આ વિમાન કેમ ચર્ચામાં આવ્યું

વિશ્વનું સૌથી રહસ્યમય અને હાઇ-સ્પીડ જાસૂસી વિમાન લાંબા સમય બાદ ફરી ચર્ચામાં, નાસાના પ્રદર્શન કેન્દ્રમાંથી હટાવાયા બાદ અમેરિકી વાયુસેનામાં તેની વાપસીની અટકળોએ જોર પકડ્યું

ન્યૂ યોર્ક : અમેરિકી વાયુસેનાનું અત્યંત ખ્યાનામ અને અતિશય ઊંચાઈ તથા ઝડપથી ઉડાન ભરવા માટે જાણીતું મહત્ત્વનું જાસૂસી વિમાન 'એસઆર-૭૧ બ્લેકબર્ડ' (SR-71 Blackbird) લાંબા સમયના અંતરાલ બાદ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે, કારણ કે તાજેતરમાં તેને નાસાના ફ્લાઈટ રિસર્ચ સેન્ટર ખાતે ડિસ્પ્લેમાંથી અચાનક હટાવી લેવામાં આવતા અમેરિકા ફરી તેને આકાશમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું હોવાની અટકળો વહેતી થઈ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકહીટ કંપની દ્વારા નિર્મિત આ સુપરસોનિક જાસૂસી વિમાનની પહેલી ઉડાન ૧૯૬૪માં થઈ હતી અને ૧૯૬૬માં તેને અમેરિકી વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું, જેણે અસાધારણ ગતિ અને ઊંચાઈ પર રહીને દુશ્મન દેશોની ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી અને ૩૫૨૯ કિમી પ્રતિ કલાકની ઝડપનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

 

ભૂતકાળમાં વધતા જતા ઓપરેશનલ ખર્ચ, સેટેલાઈટ ટેકનોલોજીનો વિકાસ અને આધુનિક ડ્રોન યુગના આગમનને કારણે અમેરિકા દ્વારા ૯ ઑક્ટોબર ૧૯૯૯ના રોજ આ વિમાનને સત્તાવાર રીતે સેવામાંથી વિદાય આપવામાં આવી હતી અને વર્ષો સુધી તેને કેલિફોર્નિયા સ્થિત કેન્દ્ર બહાર પ્રદર્શન માટે ખુલ્લામાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને ત્યાંથી ખસેડવામાં આવતા રહસ્યો ઘેરાયા છે.

 

કેટલાક મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે વિમાન બનાવતી કંપની અને નાસા દ્વારા તેના જૂના એન્જિનિયરો તથા ટેકનિશિયનોનો સંપર્ક સાધવામાં આવ્યો છે, જોકે નાસા દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેમ છતાં નિષ્ણાતોનું માનવું છે કે લાંબા સમય સુધી જમીન પર નિષ્ક્રિય રહેલા આ વિમાનને ફરી ઉડાવતા પહેલા તેના એરફ્રેમ, પાંખો, વાયરિંગ અને એન્જિનની અત્યંત ઝીણવટભરી તપાસ કરવી અનિવાર્ય છે.

 

ભૂતપૂર્વ ટેસ્ટ એન્જિનિયર માઈક રેલ્જાએ આશંકા વ્યક્ત કરી છે કે લાંબા સમય સુધી ખુલ્લામાં રહેવાના કારણે વિમાનમાં રેતી, ધૂળ કે વરસાદનું પાણી જઈ શકે છે, જેથી અત્યંત ઊંચાઈ અને ગતિ પર ઉડાન ભરતા આ વિમાનની તકનીકી ચકાસણી કર્યા વગર તેને તુરંત આકાશમાં મોકલવું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે આવા મિશનમાં ભૂલ માટે કોઈ અવકાશ હોતો નથી.

 

હાલમાં આ સમગ્ર મામલો માત્ર અટકળો અને મીડિયા રિપોર્ટ્સ પૂરતો સીમિત છે, પરંતુ જો ખરેખર અમેરિકી વાયુસેના ૨૭ વર્ષ પછી આ ખતરનાક જાસૂસી વિમાનને ફરીથી સક્રિય કરવા જઈ રહી છે, તો તે લશ્કરી ઇતિહાસમાં એક મોટી ઘટના સાબિત થશે અને આગામી દિવસોમાં આ અંગે વધુ સત્તાવાર ખુલાસા થાય તેવી પૂરી શક્યતા છે.

 

(7:53 PM IST)