તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
અમેરિકાનો હવે ડ્રેગનને ડંખ: ઇરાનના તેલના ગેરકાયદેસર વેપારમાં મદદ કરવા બદલ ચીનની 40 કંપનીઓ પર આકરા પ્રતિબંધો લાદ્યા
આ કાર્યવાહી દ્વારા ઈરાનની આવકના મુખ્ય સ્ત્રોત તેલ નિકાસને રોકવાનો પ્રયાસ કરાયો: હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી અને આ આર્થિક સકંજાથી વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે તણાવ સર્જાયો

અમેરિકી પ્રમુખ ટ્રમ્પના વહીવટી તંત્રે ચીન સ્થિત એક વિશાળ ઓઈલ રિફાઈનરી અને 40 જેટલી શિપિંગ કંપનીઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. આ તમામ સંસ્થાઓ પર ઈરાની તેલના પરિવહન અને વેપારમાં મદદ કરવાનો ગંભીર આરોપ છે. શુક્રવારે જાહેર થયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ ઈરાનની આવકના મુખ્ય સ્ત્રોત તેલ નિકાસને સંપૂર્ણપણે બંધ કરવાનો છે. આ પગલાથી વૈશ્વિક તેલ બજાર અને અમેરિકા-ચીન સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે. .
પ્રતિબંધોની યાદીમાં ડાલિયાન પોર્ટ પર આવેલી હિંગલી પેટ્રોકેમિકલ રિફાઈનરીનો સમાવેશ થાય છે. આ રિફાઈનરી દરરોજ અંદાજે 400,000 (4 લાખ) બેરલ કાચા તેલને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. ટ્રેઝરી વિભાગના રિપોર્ટ મુજબ આ રિફાઈનરી વર્ષ 2023 થી ઈરાની કાચા તેલની ખેપ મેળવી રહી છે. આ ગેરકાયદેસર વેપારથી ઈરાની સેનાને કરોડો ડોલરની કમાણી થઈ હોવાનું માનવામાં આવે છે. ટ્રેઝરી સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેલ બજારના આવા નેટવર્ક પર સકંજો કસવાનું ચાલુ રાખશે.
અમેરિકાએ આ મહિને હોર્મુઝ સ્ટ્રેટ પર ભૌતિક નાકાબંધી પણ લગાવી છે. આ જળમાર્ગ દુનિયાભરમાં ઉર્જા સપ્લાય માટે અત્યંત મહત્વનો છે. વહીવટી તંત્રે ચીન ઉપરાંત હોંગકોંગ, યુએઈ અને ઓમાનની નાણાકીય સંસ્થાઓને પણ ચેતવણી આપી છે. જો આ દેશોની બેંકોમાં ઈરાની પૈસા જમા હશે, તો તેમના પર પણ સેકન્ડરી પ્રતિબંધો મુકવાની ધમકી અપાઈ છે. હાલમાં ફારસની ખાડીમાં ચાલતા સંઘર્ષને કારણે તેલ અને કુદરતી ગેસની કિંમતો આસમાને પહોંચી છે.
તેલની વધતી કિંમતોની અસર ઘટાડવા માટે ટ્રેઝરી વિભાગે રશિયન તેલ પરના પ્રતિબંધોમાં અસ્થાયી છૂટછાટ આપી છે. જોકે ઈરાની તેલના મામલે અમેરિકા અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે. ચીનના દૂતાવાસે આ પ્રતિબંધોને આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આગામી અઠવાડિયામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના શી જિનપિંગની મુલાકાત થવાની છે તે પહેલા આ કાર્યવાહી રાજકીય રીતે ખૂબ મહત્વની મનાય છે. હાલમાં 1 ચીની રિફાઈનરી અને 40 શિપિંગ ટેન્કર્સ અમેરિકાની બ્લેકલિસ્ટમાં સામેલ થઈ ગયા છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
