News of Wednesday, 30th September 2026
વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે અમેરિકાનો મોટો દાવ: ઇંધણના વધતા ભાવ કાબૂમાં લેવા ઇમરજન્સી રિઝર્વમાંથી ૪ કરોડ બેરલ ક્રૂડ ઓઇલ બજારમાં મૂકવાની આપી ઓફર!
ઇરાન સંઘર્ષ બાદ ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાતાં યુએસએ ઇમરજન્સી ઓઇલ રિઝર્વ ખોલ્યું; ૪૪ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો અનામત તેલનો જથ્થો

વોશિંગ્ટન, તા.૩૦: મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે વધી રહેલા તણાવ અને વૈશ્વિક બજારમાં ઊર્જા પુરવઠા પર સર્જાયેલા ભારે દબાણ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) એ એક અત્યંત મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય લીધો છે. ઈંધણના ભાવમાં થઈ રહેલા વધારાને ડામવા અને તેલ બજારને સ્થિરતા આપવા માટે અમેરિકાએ પોતાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (SPR - સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ) માંથી ઊર્જા કંપનીઓને ૪૦ મિલિયન (૪ કરોડ) બેરલ સુધીના ક્રૂડ ઓઇલની એક્સેસ આપવાની ઓફર કરી છે.
૪૦૦ મિલિયન બેરલ મુક્ત કરવાની વૈશ્વિક પહેલનો અંતિમ તબક્કો
રોઇટર્સના અહેવાલ મુજબ, ઇન્ટરનેટ નેશનલ એનર્જી એજન્સી (IEA) હેઠળ લગભગ ૩૦ જેટલા દેશોની ભાગીદારી વાળી પહેલના ભાગરૂપે અમેરિકાએ આ માર્ચ મહિનામાં પોતાના અનામત ભંડારમાંથી ૧૭૨ મિલિયન બેરલ તેલ આપવાનું વચન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા બજારોમાં સપ્લાય ખોરવાતાં વિશ્વભરના કટોકટી ભંડારમાંથી કુલ ૪૦૦ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ મુક્ત કરવાનો વૈશ્વિક લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેનો આ આખરી હપ્તો છે.
૧૯૮૨ પછી યુએસ ઓઇલ રિઝર્વ સૌથી નીચલા સ્તરે
વારંવાર ઇમરજન્સી ભંડારમાંથી તેલ બહાર કાઢવાને કારણે અમેરિકાનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) ઘટીને કેવળ ૨૮૪ મિલિયન બેરલથી પણ નીચે પહોંચી ગયો છે, જે ૧૯૮૨ પછીનું સૌથી નીચું સ્તર દર્શાવે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ ઈરાન સંઘર્ષને કારણે ઊર્જા માર્કેટમાં ઊભી થયેલી અસ્થિરતા સામે લડવા બંને વહીવટીતંત્રોએ આ અનામતમાંથી મોટા પ્રમાણમાં ઉપાડ કરવો પડ્યો છે.
ચૂંટણી પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ઇંધણના ભાવ ઘટાડવાનું દબાણ
નવેમ્બર મહિનામાં આવી રહેલી મધ્યસત્ર ચૂંટણીઓ (Midterm Elections) પહેલાં અમેરિકી પ્રશાસન પર દેશમાં ઇંધણના ભાવ નિયંત્રણમાં રાખવાનું ભારે રાજકીય દબાણ છે. આ વિશિષ્ટ લોન કાર્યક્રમ હેઠળ ઊર્જા કંપનીઓ સરકાર પાસેથી ક્રૂડ ઓઇલ ઉધાર લેશે અને ૨૪% સુધીના પ્રીમિયમ સાથે તેને બાદમાં પરત કરશે.
અમેરિકી ઊર્જા વિભાગના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાથી કરદાતાઓ પર એક પણ રૂપિયાનો આર્થિક બોજ પડ્યા વિના માર્કેટમાં સ્થિરતા જાળવી શકાશે. જે કંપનીઓ આ તબક્કામાં ક્રૂડ ઓઇલ મેળવવા માગતી હોય તેમણે ૬ ઓક્ટોબર સુધીમાં પોતાની દરખાસ્તો રજૂ કરવાની રહેશે, જ્યારે ઉધાર લેવાયેલું તેલ ૨૦૨૮ સુધીમાં તબક્કાવાર પરત કરવાનું રહેશે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
