તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
અમેરિકાના એરપોર્ટ્સ પર ટેકનિકલ ખામીથી મોટો અફરાતફરીનો માહોલ : ન્યૂઆર્ક એરપોર્ટ પર ૯૫% ફ્લાઈટો રદ : ઉડ્ડયનો ઠપ્પ
રડાર અને ફ્રીક્વન્સી ખોરવાતાં જેએફકે, લાગ્વાર્ડિયા સહિત ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના અનેક એરપોર્ટ્સ પર ઉડ્ડયન સેવાઓને 'ગ્રહણ' : ૭૦ જેટલી ફ્લાઈટો ડાયવર્ટ કરાઈ (ન્યૂઝફર્સ્ટ)

વોશિંગ્ટન (ન્યૂઝફર્સ્ટ) :
અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત ન્યૂઆર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રડાર અને ફ્રીક્વન્સીમાં સર્જાયેલી મોટી ટેકનિકલ ખામીને કારણે તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. આ અચાનક સર્જાયેલી કટોકટીના કારણે એરપોર્ટ પરથી ઉપડતી ૯૫ ટકા ફ્લાઈટો અને ઉતરાણ કરતી ૬૫ ટકા ફ્લાઈટો રદ કરી દેવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે હજારો મુસાફરો રઝળાઈ પડ્યા છે અને એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અનેક એરપોર્ટ્સ પર ખામીની અસર વ્યાપી:
ન્યૂ જર્સીના એરપોર્ટ પર સર્જાયેલી સાધનોની ખામીની અસર જોતજોતામાં આસપાસના અન્ય મુખ્ય એરપોર્ટ્સ પર પણ પ્રસરી ગઈ છે. ન્યૂયોર્કના પ્રખ્યાત જેએફકે (JFK), લાગ્વાર્ડિયા (LGA) અને વ્હાઇટ પ્લેન્સ (HPN) ઉપરાંત ન્યૂ જર્સીનું ટેટરબોરો (TEB) અને પેન્સિલવેનિયાનું ફિલાડેલ્ફિયા (PHL) એરપોર્ટ પણ આ ખામીના કારણે પ્રભાવિત થયા છે.
ડાયવર્ઝન અને કેન્સલેશનથી પ્રવાસીઓ મુશ્કેલીમાં:
તાજેતરના અહેવાલો મુજબ, ન્યૂઆર્ક એરપોર્ટ પર જ અત્યાર સુધીમાં ૯૨થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે, જ્યારે લગભગ ૭૦ જેટલી આવનારી ફ્લાઈટોને અન્ય સુરક્ષિત એરપોર્ટ્સ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સિસ્ટમને પુનઃ કાર્યરત કરવા અને ટેકનિકલ ખામી ઉકેલવાના યુદ્ધધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ એરપોર્ટ સેવાઓ ક્યારે સામાન્ય થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
(8:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
