<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

દારુ પીને ટલ્‍લી થયેલી અમેરિકાની મહિલા ગટરમાં આળોટવા લાગી

દિલ્‍હીમાં જોવા મળ્‍યો વિચિત્ર નજારો

ગુરુગ્રામથી અડીને આવેલા દિલ્‍હીના મહિપાલપુર વિસ્‍તારમાં નેશનલ હાઈવે ૪૮ના સર્વિસ રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ, એક વિદેશી દારૂના નશામાં ધૂત થઈને સીધા ગટરમાં જઈને પડી હતી.

પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, સાંજના સમયે દારૂના નશામાં હોવાના કારણે મહિલા પોતાના પગ પણ જમીન સાથે યોગ્‍ય રીતે ટકાવી શકતી નહોતી. ડોલતી ડોલતી આ મહિલા સીધી ગટરમાં જઈને પડી હતી. પાણી અને કીચડથી ભરેલા નાળામાં પડતા કાદવથી ખરડાઈ ગઈ હતી અને બહાર નીકળવા માટે તરફડિયા મારતી હતી.

દુર્ઘટના જોઈ આજુબાજુના રાહદારીઓ અને સ્‍થાનિક દુકાનદારો તેને બચાવવા માટે દોડ્‍યા, તો મહિલાએ મદદ લેવાની જગ્‍યાએ તેમની સાથે વિચિત્ર વર્તન કર્યું.

આ મહિલા બચાવવા આવેલા યુવાનો પર ચીસો પાડવા લાગી અને અંગ્રેજી ભાષામાં ગંદી ગાળો આપવા લાગી. આ હાઈવોલ્‍ટેજ ડ્રામાના કારણે ઘટનાસ્‍થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેમાં લગભગ એક કલાક સુધી રોડ પર હોબાળો ચાલતો રહ્યો.

મહિલાના આક્રમક વલણ છતાં સ્‍થાનિક યુવકોએ સૂઝબૂઝ વાપરી અને હિમ્‍મત કરીને તેને નાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ગંદા પાણી અને કીચડના કારણે મહિલાને હળવી ઈજા પણ થઈ હતી. સ્‍થાનિક લોકોએ તરત એક ઓટો રિક્ષાની મદદથી તેને નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરાવી, જ્‍યાં પ્રાથમિક સારવાર બાદ તેને ઓબ્‍ઝર્વેશન વોર્ડમાં રાખવામાં આવી છે.

આ ઘટના બાદ સાઉથ વેસ્‍ટના ડીસીપી અમિત ગોયલે જણાવ્‍યું કે, મહિલાને સારવાર બાદ તેને પોતાના દેશની એમ્‍બેસીને સોંપવામાં આવી છે. વિદેશી મહિલા અમેરિકાની રહેવાસી છે.

(9:49 AM IST)