News of Saturday, 4th July 2026
અમેરિકામાં 'અમેરિકન સબ્જીમંડી'નો જબરદસ્ત ક્રેઝ: નવા ભારતીય ગ્રોસરી સ્ટોરના ઓપનિંગમાં શાકભાજી મેળવવા લોકો વચ્ચે પડાપડી, વિડિયો વાયરલ
પરવલ અને તાજી શાકભાજી પર ડિસ્કાઉન્ટનો માહોલ: વિદેશમાં વસતા ભારતીયોમાં સ્વદેશી ચીજવસ્તુઓ માટે ભારે ઉત્સાહ, સોશિયલ મીડિયા પર 'લૂંટ મહોત્સવ'ની ચર્ચા

ન્યૂ જર્સી (અમેરિકા) : અમેરિકાના ન્યૂ જર્સીમાં તાજેતરમાં એક એવો નજારો જોવા મળ્યો, જેને જોઈને લાગે કે જાણે ભારતના કોઈ સ્થાનિક શાક માર્કેટમાં 'સેલ' લાગ્યો હોય! એક નવા ભારતીય ગ્રોસરી સ્ટોરના ઉદ્ઘાટન પૂર્વે જ ગ્રાહકોનું એવું ઘોડાપૂર ઉમટ્યું કે સ્ટોરના સંચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડિયોમાં લોકો શાકભાજીની ટ્રોલીઓ ભરીને એવી રીતે દોડતા દેખાય છે, જાણે કે કોઈ મોટી લૂંટ મચી હોય.
પરવલ માટે પડાપડી અને ડિસ્કાઉન્ટની લ્હાણી
વાયરલ વિડિયોમાં સૌથી વધુ ચર્ચા ૧.૯૯ ડોલર (અંદાજે ૧૮૯ રૂપિયા) પ્રતિ કિલોના ભાવે મળતા 'પરવલ'ની થઈ રહી છે. ભારતીય શાકભાજી અને ફ્રૂટ પર અપાયેલા આકર્ષક ડિસ્કાઉન્ટને કારણે ગ્રાહકો સ્ટોરમાં ઘૂસી ગયા હતા. શાકભાજી ઉપરાંત ભારતીય મસાલા, લોટ, ચોખા અને રેડી-ટુ-ઈટ સ્નેક્સ મેળવવા માટે પણ લોકોમાં ભારે હોડ જામી હતી. ન્યૂ જર્સીના આ ગ્રોસરી સ્ટોરમાં જે અફરાતફરી જોવા મળી, તેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેને 'બ્લેક ફ્રાઈ-ડે સેલ' જેવો માહોલ ગણાવી રહ્યા છે.
વિદેશમાં કેમ આટલી દોટ?
આ વિડિયોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ મજાક ઉડાવતા કહે છે કે, "અમેરિકા હોય કે ભારત, ભારતીયોની આદત ક્યાંય બદલાતી નથી." તો વળી, અન્ય એક વર્ગ દલીલ કરી રહ્યો છે કે, અમેરિકામાં ભારતીય શાકભાજી સરળતાથી મળતી નથી અને જે મળે છે તે ખૂબ જ મોંઘી અને ઘણીવાર તાજી પણ હોતી નથી. આવા સમયે જ્યારે કોઈ સ્ટોર પર તાજી ભારતીય શાકભાજી ઓછી કિંમતે મળતી હોય, ત્યારે લોકોમાં આવી ઉત્સુકતા સ્વાભાવિક છે.
ડિસિપ્લિન પર સવાલો અને દેશપ્રેમની ચર્ચા
ચેકઆઉટ કાઉન્ટર પર લાગેલી લાંબી લાઈનો અને ટ્રોલીઓ ભરીને ખરીદી કરી રહેલા લોકોનો આ વિડિયો સાબિત કરે છે કે વિદેશમાં વસતા ભારતીયો આજે પણ પોતાની પરંપરાગત ખાદ્ય સામગ્રી અને દેશી સ્વાદ સાથે કેટલા જોડાયેલા છે. જોકે, કેટલાક લોકોએ સ્ટોરમાં જોવા મળેલી અરાજકતા અને શિસ્તના અભાવ પર ટીકા પણ કરી છે. એક યુઝરે રમૂજમાં લખ્યું, "આને કહેવાય અસલી અમેરિકન સબ્જીમંડી!"
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતીય ઉત્પાદનોની લોકપ્રિયતા અને તેના પ્રત્યેનું આકર્ષણ માત્ર ભારતમાં જ નહીં, પણ વિશ્વભરમાં વસતા ભારતીયોમાં અકબંધ છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
