તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ન્યુજર્સીમાં હાઉસ ફુલ ’ઓફ બ્રોડવે શો’ થકી અમેરિકન ગુજરાતણ ફોરમ શાહે કેન્સરગ્રસ્ત બાળકો માટે ૨૫૦૦૦ ડોલર ભેગા કર્યા
મૂળ ભાવનગરના ફોરમ શાહે પોતાના કલા વારસા દ્વારા અમેરિકામાં ગુજરાતને ધબકતું રાખ્યું છે, પોતે ઘસાઈને બીજાને મદદરૂપ બનવું એ ભાવનગરીઓના લોહીમાં છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : ભાવનગરના રાજ મહેલ સામે આવેલી શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં તેમના સ્થાપના વર્ષ-૧૯૫૧થી વિદ્યાર્થીનીને દીકરી કહીને જ સંબોધવાની અને અઠવાડિયે એકવાર ફરજિયાત સાડી પહેરીને શાળામાં આવવાની તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની દીકરીઓ માટે લાયબ્રેરીમાં વાંચનનો પિરીયડ રાખવામાં આવે છે. ફરજના ભાગરુપે એસ.એસ.સી.ના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત વેળા આ સંસ્થાના પ્રિન્સીપાલ દીનુબેન સિનોરને એક વિદ્યાર્થીનીને દીકરી કહી સંબોધતા સાંભળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ’શિક્ષક-વિદ્યાર્થીની વચ્ચે આત્મીય ભાવ જાગે તે ઉપરાંત સારા સારા પુસ્તકો વાંચતા થાય તેવા વિવિધ હેતુથી અમારી સંસ્થામાં સંસ્કાર ઘડતરની પ્રથા છે.
દક્ષિણામૂર્તિ બાળ મંદિરના બાળકોને લેવા મૂકવા ઘોડાગાડી ચલાવતા ઇશાભાઇ એક રવિવારે સવારે ૧૧-૧૧.૩૦ લાગે સૌરાષ્ટ્ર સમાચાર કાર્યાલયમાં આવ્યા હતા. મને જોઇને તેમણે કહ્યું કે, આ સાહેબને કહોને મારો રુ.૫૦૦/નો ફાળો લઇ લે’ મેં કહ્યું આપી દો, તો કહે કે ફાળો લેવાનું બંધ કરી દીધું છે, મેં ફાળા માટે જ પૈસા બચાવ્યા છે. આવા અસંખ્ય અદના પરિવારોના યોગદાનથી ભાવનગરમાં ’નિર્વાણતીર્થ’ નામે ઓળખાતા ઇલેક્ટ્રિક સ્મશાનના નિર્માણની આ વાત હતી.
એક અખબારમાં જાહેર ટહેલથી ૧૫ દિ’માં રુ.૩૦ લાખનો માતબર ફાળો મળી ગયા પછી સ્વીકારવાનું બંધ કરવાની જાહેરાત છતાં પોતાનું યોગદાન સ્વીકારાય તે માટે લાગવગ લગાવવી પડે તે મેં પેલી વાર અનુભવ્યું ત્યારે આદરણીય સ્વ.દીનુબેન શિનોરની આ વાત યાદ આવી.
આ સંસ્કાર સિંચનના મૂળિયા રોપનાર મરહુમ નેક નામદાર મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી બાદ રજવાડાઓના વિલીનીકરણ વેળા સૌ પ્રથમ પોતાના રાજપાઠનો સમૃધ્ધ ખજાનો સરદાર સાહેબને સોંપીને સંસ્કાર નગરીનું વણલખ્યું બિરુદ્દ પામેલા ભાવનગરને ત્યાગ સમર્પણની વસુંધરા તરીકે સ્થાપવા સાથે દરિયાદીલીના વિરલ દર્શન કરાવ્યાનો ઇતિહાસ મોજુદ છે.
એક તરફ અખાત્રિજના દિવસે ભાવનગરનો ૩૦૪મો અવતરણ દિવસ ઉજવાયો. એ જ પળે અમેરિકાના ન્યુયોર્કમાં ભાવનગરના રોહિત મહેતાની દીકરી ફોરમ શાહે અમેરિકાના કેન્સર પીડિત બાળકો માટે ચેરીટી શો યોજી રુ.૨૫ લાખની રકમ એકઠી કર્યાના સમાચાર વાંચવા મળ્યા ત્યારે જાતે ઘસાઇને પણ બીજાને ઉજળા કરવાના સંસ્કાર ભાવનગરીઓના લોહીમાં છે તેનો સંચાર દરિયાપાર અમેરિકામાં થાય તે રુડી વાત છે.
માતાના મહિયર મુંબઇમાં જન્મેલી અને ભાવનગરથી વલ્લભ વિદ્યાનગરમાં નોકરી અર્થે સ્થાયી થયેલા પિતા રોહિત મહેતાની નાની દીકરી ફોરમને માયાવી નગરી મુંબઇના સંસ્કૃતિ અને સંગીત પ્રેમી નાગરોનું વાતાવરણ ગળથૂંથીમાં મળ્યું તો વલ્લભ વિદ્યાનગરે તેના સંગીતના લગાવને તાલીમનો ઢોળ ચડાવ્યો,સાહિત્ય, કલા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ જેવું પોતાનું પિયરયું બનેલા વલ્લભ વિદ્યાનગરે તેના શિક્ષણ અને સંગીતના સંસ્કારોને ઉજેર્યા અહીં તેણે સ્કૂલના સંગીત શિક્ષક લક્ષ્મી પ્રસાદજીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય સંગીતમાં વિશારદ કર્યું. બી.કોમ થયા બાદ ૨૦૦૨માં નિકુલ શાહ સાથે લગ્નથી જોડાઇ ફોરમ અમેરિકા સ્થાયી થઇ છે. બીજા અર્થમાં કલા, સંસ્કાર અને સંગીતની તેની સફરે વાયા ભાવનગર વલ્લભ વિદ્યાનગર અને મુંબઇ થઇ અમેરિકા મુકામ કર્યો છે.
સ્થાનિક સંગીત કાર્યક્રમો ઉપરાંત ફોરમે વલ્લભ વિદ્યાનગરના મ્યુઝિક સેન્ટરમાં બ્રિજ જોશીના સંગીત નિર્દેશનમાં ગરબા, લગ્ન ગીતો, સ્વામિનારાયણ અને સંત કૈવલ અને પુષ્ટીમાર્ગી ભજનોને આવરી લેતી ઘણી કેસેટ અને સીડી રેકોર્ડ કરી છે. તેણે સંગીતકાર ગૌરાંગ વ્યાસ અને બ્રિજ જોશીના નિર્દેશન હેઠળ ગુજરાતી ફિલ્મોમાં પ્રફુલ દવે, મહેન્દ્ર કપૂર સાથે પાર્શ્વ ગાયન પણ કર્યું છે,
મૂળ મોસાળિયા અને એક વખતના દોમ દોમ સાયબી ભોગવતા ભાવનગરના શ્રી અમુલખરાય ઓઝા પરિવારની દીકરી ફોરમમાં તેના નાનાજી ઉપરાંત પિતાના સંગીતના સંસ્કાર ઉતર્યા છે. કાઠિયાવાડ સંગીત શાળા સાથે સક્રીય રીતે સંકળાયેલા અમુલખરાય ઓઝા સ્વયં શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં વિશારદની ઉપાધિ સાથે એક સમયના જાણીતા કલાકાર હતા. ઉસ્તાદ બડે ગુલામઅલી ખાં સાહેબ સાથે ઘરોબો ધરાવતા અમુલખરાયએ તેમની સાથે અનેકવાર વાદ્ય સંગત કરી હતી.
’ખબર નહીં કેમ પણ ચાલુ વર્ષના ફેબ્રુઆરી-માર્ચમાં મને એકાએક મનથી થવા લાગ્યું કે અહીં ખૂબ પીડાદાયક જીવન જીવતા બાળકોની મદદ કરવી છે. ચૈત્રી નવરાત્રિ નજીક આવી રહી હતી અને સાચું કહું તો જોગસંજોગ માતાજીએ જ મને દિશા સંકેત બતાવ્યો હોય તેવું માનું છું. પૈસા ભેગા કરવાનો ફકત એક રસ્તો હું જાણતી હતી અને તે હતી માં સરસ્વતી પ્રેરીત મારી કલા અને મારું સંગીત.’
લગ્ન ગીતો, ગરબા, ગીત ગઝલ માટે અમેરિકાના ન્યુજર્સી, ઉપરાંત યુ.કે.,સ્પેન, કેનેડા મેક્સિકો સહીતના શહેરોમાં તેની ગાયકીના કારણે જાણીતી બનેલી ફોરમ શાહે ૧૨મી એપ્રિલે કરેલા ચેરીટી શો નું અનુસંધાન જોડતા જણાવ્યું કે બાળકો માટે યોજેલા કાર્યક્રમમાં ચોથા સ્ટેજનું કેન્સર ધરાવતા એક બહેન પણ જોડાયા હતા. જેમણે મારા અંતરના અવાજને પોરસ ચડાવ્યો હતો.
અમેરિકામાં બાળકોના શિક્ષણથી લઇ જુદા જુદા કારણે બાળકોના પરિવહન તથા તબીબી મદદની જવાબદારી સંભાળતી નેશનલ ચિલ્ડ્રન કેન્સર સોસાયટી (NCCS) નામે એક સંસ્થા છે. એવા ’મેં ઘણા પરિવારો જોયા જેઓ પાસે કટોકટીના સમયે બાળકને હોસ્પિટલ લઇ જવા માટેના વાહન ભાડાના ના પૈસા હોય કે ના હોસ્પિટલનો ખર્ચ વહન કરવાની આર્થિક સ્થિતિ હોય.
ન્યુજર્સીમાં ૨૦ વર્ષ પહેલા સૌ પ્રથમવાર ચેત્રી નવરાત્રિમાં ગુજરાતના ગરબાની પ્રસ્તુતિ કરનાર ગુજરાતણ ફોરમ ન્યુજર્સીના ’ઓફ બ્રોડવે’માં’ હાઉસ ફુલ’ થયેલા શોથી રાજી રાજી છે. ઑફ-બ્રોડવે થિયેટર એ ન્યુ યોર્ક સિટીમાં ૧૦૦ થી ૪૯૯ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું એક વ્યાવસાયિક થિયેટર સ્થળ છે. આ થિયેટરો બ્રોડવે થિયેટર કરતા નાના પરંતુ ઑફ-બ્રોડવે થિયેટર કરતા મોટા છે, જેની બેઠક ક્ષમતા ૧૦૦ થી ઓછી હોય છે. ન્યૂયોર્ક ના બ્રોડવે ના મેઈન રોડ પર જે દેશના પ્રખ્યાત સંગીતકારોના સાંગીતિક જલ્સા લાખો ડોલર ના ખર્ચે યોજાતાં રહે છે. અહીં થતાં કાર્યક્રમ Broadway Shows ના નામે ઓળખાય છે. પોતાના ઉપર મા સરસ્વતીની કુપા માનતી ફોરમે NY off- Broadway showમાં એક નાટક માટે ગરબા રેકોર્ડ કર્યા છે. Off Broadway shows ન્યુયોર્કના અંતરિયાળ વિસ્તારમાં યોજાય છે. off બ્રોડવે શો તરીકે ઓળખાતા અને પ્રમાણમાં નાના પાયે યોજાતા હોવા છતાં પણ તમામ શો ના કલાનું સ્તર અને કાર્યક્રમની ગુણવત્તા બહુ ઊંચી હોય છે.
આ શો થકી ફોરમે ૨૫,૦૦૦ ડોલર (રુ.૨૫,૦૦,૦૦૦) એકત્ર કરીને સંસ્થાને દાનમાં આપ્યા છે. ન્યુયોર્કના ’ટાઇમ સ્ક્વેર’ ઉપર સૌ પ્રથમવાર ગુજરાતણ ફોરમના શોની જાહેરાત એક ગુજરાતી તરીકે સહુ ગુજરાતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.
ન્યુજર્સીમાં હિન્દુસ્તાની સંગીતના પ્રચાર-પ્રસાર માટે પ્રવૃત્ત ફોરમે ન્યુજર્સીમાં શાસ્ત્રીય રાગ આધારીત તાલીમ માટે પહેલીવાર વર્કશોપ શરુ કર્યા છે. under privileged બાળકો માટે કાર્યરત ’ફુડ બેંક’ સાથે યથાશક્તિ દાનથી નાતો જોડનાર ફોરમે જણાવ્યું કે અહીં સરકારી શાળાઓમાં શિક્ષણ મફત છે. અહીં શાળામાં બાળકો ભલે સમૃધ્ધ બાળકો સાથે ભણતા હોય પરંતુ બાળકોને ઘરમાં ખાવાના સાંસા હોય છે આ સ્થિતિમાં શાળાના શિક્ષકો આવા બાળકોના દફતરમાં ચોરી છૂપીથી ખાદ્ય-ખોરાક મૂકી દે છે, જેથી બાળક પોતે ગરીબ છે તેની પીડાની અનુભૂતિ ના કરે.
’પરમ શક્તિએ આપણા બધાને ખુબ આપ્યું છે, તે જરુરિયાતમંદને પરત આપવાનો સમય છે અને એ અદ્રશય શક્તિએ મને સંગીત થકી મોકો આપ્યો છે’ નેપથ્યેથી આભાર.’
*આલેખન: યજ્ઞેશ આચાર્ય, ભાવનગર*
*રજૂઆત: વિનોદ ગાલા, ભુજ.*
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
