<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમેરિકાએ સતત ૧૨મા દિવસે ઈરાનને હચમચાવ્‍યું: મિસાઈલ હુમલા વધાર્યા

ટ્રમ્‍પની આકરી ચેતવણી બાદ અમેરિકી વાયુસેનાએ ઈરાનના આહવાઝ, રામશીર અને શલમચેહ પર કર્યા પ્રચંડ હુમલા : ઈરાને આપી ‘જેસે કો તૈસા' જવાબની ચીમકીઃ અમેરિકી હુમલામાં ૨ નાગરિકોના મોત

તેહરાન, તા.૨૩: અમેરિકા અને ઈરાન વચ્‍ચેનો લશ્‍કરી સંઘર્ષ હવે સંપૂર્ણ અને વિનાશક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા હોર્મુઝ સ્‍ટ્રેટમાં કોઈપણ જહાજ પર ઈરાની હુમલા સામે સીધા પાવર પ્‍લાન્‍ટ્‍સ અને પુલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપ્‍યા બાદ, યુએસ સૈન્‍યએ સતત ૧૨મા દિવસે ઈરાનમાં શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓ ચાલુ રાખ્‍યા છે. ઈરાનના પヘમિ વિસ્‍તારમાં આવેલા આહવાઝ, રામશીર, એન્‍ડીમ્‍સ્‍ક અને સરહદી શહેર શલમચેહ નજીક અમેરિકી મિસાઈલો ત્રાટકતા ભારે વિનાશ સર્જાયો છે અને નાગરિકોના મોત થયા છે. હોર્મુઝ સ્‍ટ્રેટ પર આંતરરાષ્‍ટ્રીય શિપિંગનો માર્ગ પુનઃસ્‍થાપિત કરવા અને ઈરાનની દરિયાઈ ક્ષમતાઓને તોડી પાડવા અમેરિકાએ આ આક્રમણ તેજ કર્યું છે.

તેહરાને પણ આ સામે ઈંટનો જવાબ પથ્‍થરથી આપવાની નીતિ જાહેર કરી દીધી છે. ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્‍બાસ અરાઘચીએ સ્‍પષ્ટ કર્યું છે કે ઈરાનના નાગરિક કે માળખાકીય ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પરના કોઈપણ આક્રમણનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. ઈરાને પણ વળતા પ્રહાર રૂપે પ્રદેશના ખાડી દેશોમાં આવેલા વોટર ડિસેલિનેશન પ્‍લાન્‍ટ્‍સ અને મહત્‍વપૂર્ણ ઉર્જા સુવિધાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. આ ભયાનક સંઘર્ષમાં હવે ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ પણ લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવવાની ધમકી આપતાં વૈશ્વિક તેલ અને વેપાર માર્ગો સંપૂર્ણપણે થંભી જવાના આરે પહોંચ્‍યા છે.

આ યુદ્ધની અત્‍યંત ગંભીર અસર વૈશ્વિક અર્થતંત્ર અને બંને દેશોના આંતરિક રાજકારણ પર પડી રહી છે. હોર્મુઝ સ્‍ટ્રેટ બંધ થવાને કારણે બ્રેન્‍ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $૯૩ને વટાવી ગયો છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના વૈશ્વિક ભાવવધારા પર પડી છે. બીજી તરફ, આ સંઘર્ષ અમેરિકા માટે પણ આર્થિક અને માનવ સંસાધનની દ્રષ્ટિએ અત્‍યંત ભારે સાબિત થઈ રહ્યો છે; અમેરિકી સંરક્ષણ મંત્રાલય અનુસાર અત્‍યાર સુધીમાં $૩૭.૫ બિલિયનથી વધુનો સૈન્‍ય ખર્ચ થઈ ચૂકયો છે અને જાનહાનિ પણ વેઠવી પડી રહી છે. બંને પક્ષે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને સીધું નિશાન બનાવાતાં આ સંઘર્ષ આગામી દિવસોમાં વધુ ભયાનક સ્‍વરૂપ ધારણ કરે તેવી આશંકા છે.

(11:23 AM IST)