News of Saturday, 3rd October 2026
અમેરિકાએ વિઝા ઓવરસ્ટે રોકવા ૫૦ દેશો પર લાગૂ કર્યા વિઝા બોન્ડ, પરંતુ ભારતીયોને મળી મોટી રાહત
બી૧/બી૨ ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા માટે $૨૦,૦૦૦ સુધીના વિઝા બોન્ડ ચૂકવવાના કડક નિયમમાંથી ભારતને મુક્ત રખાયું.

વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિઝા નિયમોમાં મોટો ફેરફાર કરીને વિશ્વના ૫૦ દેશોના નાગરિકો માટે $૨૦,૦૦૦ (આશરે ₹૮ થી ૧૬ લાખ) સુધીના 'વિઝા બોન્ડ' ભરવાનો કડક નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય નાગરિકોને આ બોન્ડમાંથી મોટી મુક્તિ આપવામાં આવી છે. વિઝા મેળવીને અમેરિકા પહોંચ્યા બાદ નિર્ધારિત સમય કરતાં વધુ સમય (ઓવરસ્ટે) રોકાતા મુસાફરો પર અંકુશ મેળવવાના હેતુથી હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કડક વ્યવસ્થા અંતર્ગત યાદીમાં સમાવિષ્ટ દેશોના યાત્રીઓએ B1/B2 (બિઝનેસ અને ટુરિસ્ટ) વિઝા મેળવતી વખતે કોંસુલર ઓફિસરના નિર્દેશ મુજબ $૧૦,૦૦૦, $૧૫,૦૦૦ અથવા $૨૦,૦૦૦ની રકમનો વિઝા બોન્ડ જમા કરાવવો ફરજિયાત રહેશે. ભારત આ યાદીમાંથી બહાર રહેતાં ભારતીય પ્રવાસીઓ માટે અમેરિકાની મુસાફરી આર્થિક રીતે સરળ રહેશે, જ્યારે દક્ષિણ એશિયાના પડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળના નાગરિકોને આ કડક યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
વિદેશ વિભાગના સત્તાવાર નિવેદન અનુસાર, આ પાબંધીઓ હેઠળ આવતા મુસાફરોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા અને પાછા ફરવા માટે માત્ર અધિકૃત એરપોર્ટ અને વાણિજ્યિક વિમાનો (કોમર્શિયલ ફ્લાઇટ્સ) નો જ ઉપયોગ કરવાનો રહેશે. તેમને કોઈપણ પ્રકારની ચાર્ટર ફ્લાઇટ્સ અથવા દરિયાઈ બંદરોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જો મુસાફરો અમેરિકામાં પોતાના વિઝાની તમામ શરતોનું યોગ્ય રીતે પાલન કરે અને સમયસર પોતાના દેશ પરત ફરે, તો તેમણે જમા કરાવેલી બોન્ડની રકમ પરત કરવામાં આવશે. તેમ છતાં, આટલી મોટી રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવાની હોવાથી સામાન્ય મુસાફરો માટે આ પ્રક્રિયા અત્યંત આર્થિક પડકારજનક સાબિત થશે.
અમેરિકી તંત્ર દ્વારા વિઝા ઓવરસ્ટેના વધતા કિસ્સાઓને ડામવા માટે ભૂતકાળમાં પણ આ પ્રકારની નીતિઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ વખતે વિવિધ દેશોના ઓવરસ્ટે દરના ડેટાના આધારે જ આ નવી યાદી તૈયાર કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર રોકાણ કરનારાઓ પર લગામ લગાવી શકાય.
હાલમાં આ નવી બોન્ડ પ્રણાલી અમલી બનાવી દેવામાં આવી છે અને અસરગ્રસ્ત ૫૦ દેશોના વિઝા અરજદારો માટે આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. જોકે, ભારતીય મુસાફરો માટે આ રાહતથી બંને દેશો વચ્ચેના પ્રવાસન અને વ્યાપારિક સંબંધોને વધુ બળ મળશે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
