તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
એન્ટિલિયામાં ગણેશ વિસર્જન દરમિયાન અંબાણી ભાઈઓની ધમાલ: આકાશ અને અનંતે જીજાજી આનંદ પીરામલને ઉંચકીને ઝૂલાવ્યા, વીડિયો વાયરલ!
ઢોલ-નગારા અને ગુલાલની છોળો વચ્ચે અંબાણી પરિવારનો અનોખો મસ્તીભર્યો અંદાજ: સાળા-બનેવીના ખાસ બોન્ડિંગે નેટીઝન્સના દિલ જીતી લીધા

મુંબઈ : દેશના અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય અને ધામધૂમથી કરવામાં આવી હતી. ગણપતિ બાપ્પાના ભવ્ય સ્વાગત અને વિશેષ પૂજા-અર્ચના બાદ સમગ્ર અંબાણી પરિવારે નાચતા-ગાતા બાપ્પાને વિદાય આપી હતી. પરંતુ આ વિસર્જન શોભાયાત્રા દરમિયાન અનંત અંબાણી, આકાશ અંબાણી અને તેમના જીજાજી આનંદ પીરામલ વચ્ચે થયેલી રમુજી મસ્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
‘ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષ અને ઢોલ-નગારાના તાલે જ્યારે સમગ્ર પરિવાર ઝૂમી રહ્યો હતો, ત્યારે આકાશ અંબાણી અને અનંત અંબાણી પોતાના બહેનોઈ એટલે કે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલને ચીડવતા અને મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા. મસ્તીમાં ને મસ્તીમાં બંને ભાઈઓએ આનંદ પીરામલને હવામાં ઉચકીને ઝૂલો ઝૂલાવવાનું શરૂ કરી દીધું હતું, જેને જોઈને આસપાસના લોકો પણ હસી પડ્યા હતા.
સાદગી અને પારિવારિક સ્નેહના વખાણ
બાપ્પાની વિદાય વેળાએ મુકેશ અંબાણી, નીતા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી સહિત સમગ્ર પરિવારે એકબીજા પર ગુલાલ ઉડાડીને ઉત્સવની ઉજવણી કરી હતી. અબજોપતિ બિઝનેસ ફેમિલી હોવા છતાં અંબાણી પરિવારમાં જોવા મળતી સાદગી, પારિવારિક સંબંધોની ઉષ્મા અને સાળા-બનેવી વચ્ચેની આ અનોખી કેમિસ્ટ્રીને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ભારે પ્રશંસા કરી રહ્યા છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
